મોબાઈલ શોપનો સંચાલક 10 હજારમાં IPL મેચ પર સટ્ટો રમવા આઈ.ડી. આપતો હતો
મોબાઈલમાં IPL મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમ ઝડપાયો
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે બીવી ગાંધી પેટ્રોલપંપ સામે મોબાઈલ ફોનમાં માસ્ટર આઇડીની મદદથી આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમને ઝડપી પાડયો હતો,
પોલીસ દ્વારા સટ્ટો રમાડનાર અને માસ્ટર આઇડી વેચાણથી આપનાર બે ઈસમો સામે ગુનો નોંધ્યો છે. ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો, ત્યારે બાતમી મળી હતી કે ગોધરાના બીવી ગાંધી પેટ્રોલપંપ સામે ઇસમ મોબાઈલમાં આઈપીએલ મેચ પર આઇડી દ્વારા સટ્ટો રમાડી રહ્યો છે, જે બાતમીના આધારે ગોધરા પોલીસે ૧૪ મે મંગળવારે રાત્રે બાતમી મુજબની જગ્યાએ છાપો માર્યો હતો,
પોલીસ દ્વારા બાતમી મુજબના ઇસમને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા તેના હાથમાં રહેલા મોબાઈલ ફોનની તપાસ કરતા દિલ્હી કેપિટલ અને લખનૌ સુપર જાયન્ટ ટીમની મેચ પર કમિશન રૂપે લાભ મેળવવા મોબાઈલ ફોનમાં સટ્ટાની આઇડી દ્વારા જુગાર રમાડતો મળી આવ્યો હતો, બીજી તરફ પોલીસ દ્વારા પકડાયેલા ઇસમની પુછપરછ હાથ ધરતા
તેણે પોતાનું નામ લખન ઉર્ફે બાદશાહ ટેકચંદ કલવાણી જણાવ્યું હતું અને આ ક્રિકેટ સટ્ટો રમાડવા માટેની આઇડી ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી સાંઈ ક્રિષ્ના મોબાઈલ શોપના સંચાલક વિનોદ જામનદાસ વીરવાણીએ રૂ ૧૦ હજાર લઇને આપી હોવાનું જણાવ્યું હતું, ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે લખન ઉર્ફે બાદશાહ ટેકચંદ કલવાણી અને વિનોદ જામનદાસ વીરવાણી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.