મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી સહિત ચોરીના મોબાઈલ લેનાર 2 ઝડપાયા
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અન્ય ચોરીના ૩ મોબાઈલ સાથે તથા ચોરીના મોબાઈલ વેચાણ-લેનાર ૨ ઈસમોને ૮ મોબાઈલ જેની કિંમત રૂ.૫૦ હજારના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાભરની પોલીસને અસરકારક નાઈટ પેટ્રોલિંગ રાખવા તથા વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી.જેના આધારે ભરૂચ એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એમ.પી.વાળાની સૂચના અન્વયે ભરૂચ એલસીબીના અધિકારી અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જે અન્વયે એલસીબી પોલીસની ટીમ દ્વારા ભરૂચ જીલ્લાના અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.આ દરમ્યાન એલસીબી પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ તથા તેમની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના મોબાઈલ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પ્રથમ મિસ્ત્રી હાલ અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જોવા મળ્યો છે.
જે બાતમીના આધારે વાલીયા ચોકડી ખાતેથી સુરતના કોસંબાની શાંતિનગર સોસાયટીમાં રહેતા ૨૦ વર્ષીય પ્રથમ મિસ્ત્રીને પકડી તેની અંગઝડતી કરતા તેના પાસેથી ૩ મોબાઈલ મળી આવ્યા હતા.જે મોબાઈલના બિલ પુરાવા રજૂ ન કરવા સાથે આરોપી ભાંગી પડયો હતો અને કબુલાત કરી હતી કે હું તથા મારો મિત્ર તુષાર પટેલ સુરત તથા ભરૂચ જીલ્લામાં મુલદથી માંડવા રોડ ઉપરથી આશરે ૨ થી ૩ વખત તથા બાકરોલ બ્રિજથી
ધામરોડ વચ્ચે આશરે ૨ થી ૩ વખત તેમજ વાલીયા ચોકડી બ્રિજ ઉપર એક વખત અને અંકલેશ્વરથી પાનોલી રોડ ઉપર આશરે ૩ વખત મિત્ર તુષારની બાઈક ઉપર નીકળી રસ્તામાં મોબાઈલ પર વાત કરતા જતા લોકોના હાથ માંથી મોબાઈલ ખૂંચવી લઈ કોસંબા ખાતે રહેતા અર્જુન વાઘરી તથા જયેશ ઢમેચાને વેચાણથી આપતા હોવાની હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી.જેથી ચોરીના મોબાઈલ વેચાણ રાખતા અર્જુન વાઘરી અને જયેશ ઢમેચાને કુલ ૫ નંગ મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.