મોરબીઃ હળવદ GIDCમાં દીવાલ પડતા 12 શ્રમિકોના મોતઃ વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું
મોરબી, હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા દટાઈ ગયેલા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તંત્ર દ્વારા જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે.
જેમાં 12 શ્રમિકોના મોત નિપજ્યાની વિગતો સામે આવી છે. હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય તેને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. હાલ વેકેશનનો સમયગાળો હોવાથી આ ઘટનામાં માસુમ બાળકો પણ ભોગ બન્યા હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધારે પહોંચવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હ્રદયપૂર્વકની સંવેદના વ્યકત કરી છે અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રભુ પાર્થના કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમિકના વારસદારને 4 લાખ રૂપિયાની મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને આ ઘટનાની જાણકારી મળતાં જ તેમણે મોરબી જિલ્લા કલેકટર અને તંત્રવાહકોને તાત્કાલિક બચાવ-રાહત કામગીરી માટે સૂચનાઓ આપી હતી.