મોરબીથી પકડાયેલા રેમડેસિવિરના તાર જુહાપુરા સાથે જાેડાયેલા હતા
જૂહાપુરાથી કનેક્શન સુરતમાં જતું હતું -રાજ્યમાં નકલી રેમડેસિવિર બનાવતા નેટવર્કનો પર્દાફાશ
સુરત, હાલની કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસિવિયર ઈન્જેક્શનની બોલબાલા વધારે રહી છે, આ ઈન્જેક્શનથી દર્દીને ફાયદો થતો હોવાનું જણાતા સગા તેના માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. આવામાં લોકોની તકલીફ વચ્ચે કમાવવા બેઠેલા નરાધમો રુપિયા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ રહ્યા છે.
તેઓ દવાને તેની મૂળ કિંમતથી ઊંચા ભાવે વેચી રહ્યા છે તો કેટલાક ગ્લુકોઝ અને મીઠાના નામે લાખોની દવા વેચતા ઝડપાયા છે. આવામાં મોરબીમાં નકલી રેમડેસિવિયર ઈન્જેક્શનનું મોટું કૌભાંડ બહાર આવતા રાજ્ય વ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો છે.
મોરબીમાં ગ્લોકોઝ અને મીઠું ભેગું કરીને રેમડેસિવિયર બનાવાયા હોવાનું કૌભાંડ ઝડપાતા આરોપીઓની પૂછપરછ કરતા તેના તાર છેક અમદાવાદના જુહાપુરામાં અડતા હોવાનું પણ સામે આવ્યું છે. એક તરફ મહામારી પોતાનો પ્રકોપ બતાવી રહી છે ત્યારે બીજી તરફ લોકોની જરુરિયાતનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહેલા મોરબીના આરોપીઓની પૂછપરછ અંગે રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે કે,
એવી વિગતો સામે આવી છે કે ઈન્જેક્શનનો જથ્થો જુહાપુરામાંથી મળી આવ્યો છે. આ સાથે જુહાપુરા પોલીસે રેડ પાડીને સપ્લાયર મહંમદ આશીમ ઉર્ફે આશીફ અને રમિઝ કાદરીની ધરપકડ કરી હતી. આરોપીઓના ઘરમાંથી ૫૬.૧૬ લાખની કિંમતના ૧૧૭૦ નકલી રેમડેસિવિયર ઈન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા ૧૭.૩૭લાખ રુપિયા પણ મળી આવ્યા છે. હવે આ ઈન્જેક્શન જુહાપુરામાં સુરતથી કૌશલ વોરાના ત્યાંથી આવ્યા હોવાની કબૂલાત આરોપીઓ દ્વારા કરવામાં આવી છે. આવામાં પોલીસે કેસની ઊંડી તપાસ માટે ઓલપાડમાં આવેલા પીંજરાતના કૌશલ વોરાના ફાર્મહાઉસ પરથી તપાસ દરમિયાન નકલી ઈન્જેક્શનની બોટલ સહિત સ્ટિકરો કબજે લીધા છે.
પોલીસે તપાસ દરમિયાન કૌશલ મહેન્દ્રભાઈ વોરા અને ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહની ધરપકડ કરી છે. મોરબીથી અમદાવાદ અને અમદાવાદથી સુરત પહોંચેલું રેમડેસિવિયરના કૌભાંડમાં આરોપીઓએ એવી કબૂલાત કરી છે કે તેઓ ગ્લુકોઝમાં મીઠું ભેળવીને નકલી રેમડેસિવિયરના ડોઝ બનાવતા હતા.
જે પ્રમાણમાં જથ્થો પકડાયો છે અને ત્રણ શહેરો સહિત રાજ્યના અન્ય ભાગોમાં તેના તાર જાેડાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને હજુ પણ આ કેસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવનાઓ વધી રહી છે.