મોરબીની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સીએમ ફંડમાંથી ૪ લાખ જ્યારે પીએમ ફંડમાંથી ૨ લાખ રૂપિયાની જાહેરાત

ગાંધીનગર, મોરબી જિલ્લાના હળવદ માં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ કામદારોના મોત થયા છે. જ્યારે દિવાલ પડતાં લગભગ ૩૦ મજૂરો દંટાયા હતા.આ અંગે પીએમ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે.
અને સાથે સાથે સહાયની પણ જાહેરાત કરી છે. આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ જાણ કરવામાં આવી છે અને તેમણે ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તેવી સુવિધા ઉભી કરવાના આદેશ આપી દીધા છે. આ સાથે સ્થાનિક નેતાઓ પણ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે.
આપને જાણવી દઈએ કે, હળવદ માં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને સીએમ ફંડમાંથી ૪ લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. જ્યારે પીએમ ફંડમાંથી ૨ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
હળવદની જીઆઈડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું આવેલું છે. આજે અચાનક ધડાકાભેર કારખાનાની એક દીવાલ તૂટી પડી. દીવાલના કાટમાળ નીચે ૩૦થી વધુ લોકો દટાઈ ગયા. તેમને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
અત્યાર સુધીમાં ૧૨ શ્રમિકોના મૃતદેહો કાટમાળમાંથી બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે. અનેક લોકો હજુ પણ દટાયેલા હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં. હાલ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટેની બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ઘટી હોવાનું કહેવાય છે.
દીવાલ કઈ રીતે ધરાશાયી થઈ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કામદારો આ દીવાલની નજીકમાં બેસીને મીઠાનું પેકિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ બાદ અહીં લોકોની ચીસો અને રોકકળથી કારખાનું ગુંજી ઉઠ્યું હતું.
કાટમાળ નીચેથી કઢાયેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જે શ્રમિકો ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.આ ધટનાના તપાસના આદેશ અપાયા છે.HS