મોરબીમાં એક હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું
મોરબી: મોરબીમાં તાઉ તે વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ થઈ ચૂકયૂં છે. જેમાં મોરબી ખાતે આવેલા નવલખી બંદર પર એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. તો નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને લઈને મોરબી તંત્ર તૈયાર થઈ ચૂક્યું છે. વાવાજાેડા ને લઈને વહીવટી તંત્ર ,પોલીસ તંત્ર વિભાગ સજાગ થઈ ચૂક્યા છે.
જેમાં વહીવટી તંત્ર દ્વારા મોરબીના ૭ અને માળીયાના ૪ મળી ૧૧ ગામોને સંભવિત વાવાઝોડાની અસર થશે તેવું જણાવવામાં આવ્યું છે. રજીસ્ટર થયેલી તમામ બોટો અને માછીમારોને પણ હાલ દરિયામાંથી પરત બોલાવી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો સરકાર દ્વારા બે એનડીઆરએફની ટિમો પણ ફાળવવામાં આવી છે. જે પૈકી મોરબીમાં આ વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખીને ફાળવવામાં આવેલી બે ટિમ પહોંચી ચૂકી છે. જેમાંથી એક ટીમને મોરબી ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
જ્યારે બીજી ટીમને માળીયા મી.ના નાની બરાર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ બન્ને ટિમો આગામી ચાર દિવસ એટલે કે ૧૯ મે સુધી મોરબી અને માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી સ્ટેન્ડ બાય રહેશે અને લોકોને વાવાઝોડાથી બચવા માટે શુ કરવું તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવા કવાયત હાથ ધરી છે. મોરબીમાં આ વાવઝોડાના અસરગ્રસ્ત સંભવિત વિસ્તારોની વાત કરીએ તો, મોરબી તાલુકાના ધુઈ, રામપર(પાડાબેકર), જીંઝુડા, ઊંટબેટ(શામપર), બેલા(આમરણ), ફડ્સર, રાજપર(કુંતાસી) ને અલર્ટ કરાયાં છે.
જ્યારે માળીયા મી.તાલુકાના ગામ વર્ષામેડી, વવાણીયા, બોડકી, બગસરાને એલર્ટ કરાયા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી દેવામાં આવી છે. મોરબીના નવલખી બંદરે પોર્ટ વિભાગ દ્વારા પણ આ વાવાઝોડાના પગલે ૦૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
સાથે જ એનડીઆરએફ,પોલીસ સહિતની ટિમો નવલખી બંદરના જુમવાડી, બોડકી, વર્ષામેડી સહિતના ગામોમાં નિરીક્ષણ કરી વાવાઝોડાની અસર કેટલી થશે તેનું મૂલ્યાંકન હાથ ધર્યું છે. તો બીજી બાજુ નવલખી બંદર પર સવારથી જ વાતાવરણ શાંત અને ઠંડુ જાેવા મળ્યું હતું. મોરબીનું નવલખી બંદર કોલસાનું હબ માનવામાં આવે છે. ત્યારે નવલખી બંદર પર રોજના ૨૦૦૦થી વધુ કોલસાના ટ્રક લોડ થતા નવલખી બંદર પર નીરવ શાંતિ જાેવા મળી હતી.