મોરબીમાં પાંચ લાખ ભરેલો થેલો મૂળ માલિકને પરત કર્યો
મોરબી: હાલ કોરોના મહામારીને કારણે લોકોના રોજગાર ધંધા બરાબર ચાલતા નથી એની સામે આપણને ઘણી જ લૂંટફાટનાં કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે. ત્યારે મોરબીમાં એક પ્રેરણાદાયી કિસ્સો બન્યો છે. મોરબીના એક વ્યક્તિએ પાંચ લાખ ભરેલી બેગ મૂળ માલિકને પરત કરીને પોતાની પ્રામાણિકતાની સુવાસ ફેલાવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ટંકારાના બંગાવડીની સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને મોરબી શહેરમાં ધર્મલાભ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ કરમશીભાઈ જીવાણી તા. ૧૪ સપ્ટેમ્બરના રોજ સાંજે મોરબીના શનાળા રોડ પર મહેશ હોટલ પાસેથી એક થેલો મળ્યો હતો
જે બેગમાં રોકડ રકમ રૂ. ૫ લાખની સાથે એક કારની ચાવી અને ડાયરી હતી. જેના નંબર સાથે મેસેજ વાયરલ કરતા મીડિયાના માધ્યમ દ્વારા આ બેગના મૂળ માલિક મહેશભાઈ નરશીભાઈ શેરસીયા (શ્રીજી સ્ટીલ, લાતી પ્લોટ-૬)એ ભાવેશભાઈનો સંપર્ક કર્યો હતો. ભાવેશભાઈએ બેગની માલિકીની ખરાઈ કરી રોકડ ૫ લાખ ભરેલી બેગ મૂળ માલિક મહેશભાઈને પરત કરી હતી. આ તકે આટલી મોટી રકમ પરત કરવા બદલ મહેશભાઈએ ભાવેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો હાલના સમયમાં જયારે અવારનવાર ઓનલાઇન ફ્રોડ કે ઉછીના પૈસા પાછા ન આપવા જેવા પૈસાની છેતરપિંડીના અનેક કિસ્સાઓ જોવા-સાંભળવા મળતા હોય છે.