મોરબીમાં ફરી કોરોનાની એન્ટ્રી, ધો ૧૨ના વિદ્યાર્થીને કોરોના

File photo
મોરબી, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. તેમાંય ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધી રહ્યુ છે. એવામાં મોરબીમાં કોરોનાએ ફરી એન્ટ્રી કરી છે. જેમાં હવે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે. નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોના પોઝીટીવ આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આથી સલામતીના ભાગરૂપે આ સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવાઈ છે.
મોરબી જિલ્લા આરોગ્ય તંત્રએ આજે એક ૧૬ વર્ષનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ ૧૬ વર્ષનો વિદ્યાર્થી મોરબી શહેરની નવયુગ વિદ્યાલય માં વિજ્ઞાન પ્રવાહમાં ૧૨માં ધોરણમાં અભ્યાસ કરે છે.
આથી સલામતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોઝીટીવ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતા અન્ય તમામ વિદ્યાર્થીઓના અને શાળાના સ્ટાફ ના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાે કે શાળામાં હવે કોરોનાનો પગપસેરો થતા ડરવાને બદલે આરોગ્ય તંત્રએ લોકોને વધુ સાવચેત રહેવાની અપીલ કરી છે અને સરકારની કોરોના ગાઈડલાઈનની ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ૩૯૪ કેસ નોંધાયા છે. બીજી તરફ ૫૯ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૮,૪૨૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૬૧ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. ૨,૨૦,૦૮૬ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.HS