મોરબી ડ્રગ્સ કેસમાં આંગડીયા પેઢીઓની તપાસ શરૂ
અમદાવાદ, મોરબીથી પકડાયેલા ૬૦૦ કરોડથી વધુના ડ્રગ્સકાંડમાં હાલ સુધીમાં ૧૩ આરોપી પકડાઈ ચુકયા છે જેમાં ૧ નાઈજીરીયન પણ સામેલ છે. એટીએસ ગુજરાતની તપાસ આ સમગ્ર ડ્રગ્સની હેરાફેરી છેલ્લા ૧ વર્ષથી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
હાલમાં એટીએસ ગુજરાતની ટીમો જામનગર, દિલ્હી તથા અન્ય સ્થળોએ ડ્રગ્સના ષડયંત્રમાં સામેલ શખ્શોની તપાસ ચલાવી રહી છે. દરમિયાન પકડાયેલા નાઈજીરીયનની પુછપરછમાં તે અગાઉ મુંબઈ આવ્યો ત્યારે તેની મુલાકાત પુનાના સર્જેરાવ સાથે થઈ હોવાનું બહાર આવ્યું છે.
સુત્રો અનુસાર નાઈજીરીયન આરોપી માઈકલ યુગોચુકવુ ડ્રગ્સ ખરીદી તેનું ચુકવણું આંગડીયા મારફતે કરતો હતો. એ દિશામાં તપાસ હાથ ધરાતા કેટલીક આંગડીયા પેઢીના નામ સામે આવ્યા છે જેમની તપાસ ચાલી રહી છે. આંગડીયા પેઢીઓમાં માઈકલે કરેલાં નાણાં વ્યવહાર ઉપરાંત સીસીટીવી કુટેજ ઉપરાંત રકમ કોને અને ક્યાં ચુકવવામાં આવી હતી એ અંગેની માહિતી હાલમાં મેળવવામાં આવી રહી છે.
બીજી તરફ આરોપી સર્જેરાવની પુછપરછમાં તે બહાર બતાવવા માટે હોટેલ મેનેજમેન્ટનું કામ જયારે ખરેખર પુનાથી આવીને બાય રોડ અથવા ટ્રેનમાં ડ્રગ્સની ડિલીવરી કરતો હોવાનું બહાર આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આ સમગ્ર ડ્રગ્સ કાંડનો મુખ્ય આરોપી ઈશા રાવ ફરાર છે પરંતુ તેના સિવાય તેની સાથે જાેડાયેલા વધુ ૪ આરોપીઓ ટુંક સમયમાં પકડાવાની સંભાવના છે.
નોંધનીય છે કે અગાઉ પંજાબ બોર્ડર પરથી ડ્રગ્સની હેરાફેરી થતી હતી જયાં બોર્ડર પર કડક હાથે કામ લેવામાં આવતા ડ્રગ્સ પેડલરોએ ગુજરાતની જળસીમાનો રસ્તો શોધી નાખ્યો હતો જયાંથી ભારતના અન્ય રાજયો ઉપરાંત વિદેશમાં પણ નશીલો પદાર્થ મોકલવામાં આવતો હતો.