મોરબી પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ : ઈવીએમ મશીનો મતદાન મથકોએ રવાના કરાયા
અહેવાલઃ ઘનશ્યામ પેડવા, માહિતી બ્યુરો, મોરબી મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી હોવાથી આ પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને ઘુટુ પાસે આવેલ સરકારી પોલી ટેકનિક કોલેજ ખાતે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રખાયેલા ઈવીએમ મશીનો ત્રણ વિભાગમાં ડીસ્પેચ કરવામાં આવ્યા છે.
જેમાં સવારે ૭-૦૦, ૯-૩૦ અને ૧૨-૦૦ કલાકે ડીસ્પેચ કરવામાં આવ્યા હતા તેમજ દરેક મતદાન બુથ પર ઈવીએમ મશીનો સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૬૫ સંવેદનશિલ મતદાન મથક(૪૦ લોકેશન વાળા) સહિત કુલ ૪૧૨ મતદાન મથકો સંપૂણ ઇવીએમની કીટ આપેલ છે.
મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવતીકાલે તા.૩ ને મંગળવારે યોજાનાર છે. ત્યારે સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ઘુંટું પાસે આવેલ સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રખાયેલા ઈવીએમ મશીનો ડીસ્પેચ કરવામાં આવ્યા છે.
જોકે આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને ચૂંટણી અયોગ દ્વારા કોરોના સંદર્ભે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આથી ૨૩૦૦ થી વધુના પોલીગ સ્ટાફ સાથે આરોગ્ય કર્મચારીઓ મતદાન બુથ ઉપર ફરજમાં જોડાશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે દરેક મતદાન બુથ ઉપર આરોગ્ય કર્મચારીઓ તૈનાત રહશે. જેમાં મતદારો માટે અને કર્મચારીઓને હેન્ડ સેનેટાઇઝ, ગ્લોવ્સ, ફેસ શીલ્ડ તથા માસ્ક સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.