મોરબી પોલીસનો સપાટોઃ મોડીફાઇડ સાઇલેન્સર, બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરના વાહનો જપ્ત
મોરબી: મોરબી શહેર વિસ્તારમાં અમુક વાહન ચાલકો તેમના બુલેટ બાઇકમાં મોડીફાઇડ સાઇલેન્સર લગાવી વધુ અવાજ થાય તે રીતે ચલાવે છે. આ ઉપરાંત અમુક બાઇક ચાલકો જાહેર માર્ગો પર સ્ટંટ કરે છે. તેવી ફરિયાદ બાદ પોલીસ આવા વાહન ચાલકોને શોધીને તેમની શાન ઠેકાણી લાવી રહી છે.
સાથે જ જાે આવા તત્વો મળે તો પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. હાલ પણ પોલીસની આ કામગીરી મોરબી ટ્રાફિક પોલીસ તરફથી ચાલુ રાખવામાં આવી છે.
આ મામલે મોરબી ટ્રાફિક ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરે ન્યૂઝ ૧૮ ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જે લોકો આ રીતે સ્ટંટ કરે છે, મોડીફાઇડ બુલેટ અને બાઈક બનાવી બેફામ ફરે છે તેવા કુલ ૧૦૦ જેટલા મોડીફાઇડ બાઈક ડિટેઇન કરવામાં આવી છે. આ ઉપરાંત કારમાં બ્લેક ફિલ્મ લગાવવી, નંબર પ્લેટ વગર વાહન હંકારવું, કાર પર ગેરકાયદે લખાણ લખવું વગેરે સામે જિલ્લા એસ.પી.શ્રી સુબોધ ઓડેદરાએ તાત્કાલિક કાર્યવાહી કરવા મોરબી ટ્રાફિક શાખાને સૂચના આપી હતી. જેના પગલે ટ્રાફિક શાખાના અધિકારી તથા કર્મચારીઓની ટીમો બનાવી ડબલ સાઇલેન્સર વાળા બુલેટો તથા પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો, મોટર-કાર વાહનોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.
છેલ્લા પાંચ દિવસમાં આવા ૧૪૦થી વધારે વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવી તથા ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર પ્લેટ લગાવી તથા રોંગ સાઇડમાં વાહન ચલાવી તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કુલ ૧૧૨ એન.સી. કેસ કરી તેનો સ્થળ દંડ રૂ. ૫૪૧૦૦ વસૂલ કરાયા છે. છેલ્લા પાંચ દિવસના દંડની રકમ જાેઈએ તો તે દોઢ લાખને પણ પર થઈ જાય છે. હજુ પણ મોરબી જિલ્લામાં જે વાહન ચાલકો બુલેટમાં મોડીફાઇડ કરેલું સાઇલેન્સર લગાવી ફરે છે, કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરે છે, વાહનમાં આગળ પાછળ નંબર પ્લેટ લગાવતા નથી કે ટ્રાફિકના અન્ય નિયમોનું પાલન કરતા નથી તેઓના વિરૂધ્ધમાં ટ્રાફિક શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે