મોરબી હત્યા અને ફાયરીંગ કેસનો આરોપી ફરાર થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Hitubha.jpg)
અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના મોરબીના ચકચારી ફાયરીંગ કરી હત્યા નીપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસની કસ્ટડીમાંથી આજે વહેલી સવારે નાસી છૂટતાં ભારે ચકચાર મચી ગઇ હતી. આજે મોરબી કોર્ટમાં તેની મુદ્દત હોવાથી પોલીસ જાપ્તાની ટીમ મોરબી લઈ જવા નીકળી હતી ત્યારે ઘ્રાંગઘ્રા ઓનેસ્ટ હોટલ પાસે ટીમે હોલ્ટ કર્યો હતો, તે દરમ્યાન આરોપી હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો.
આરોપીને પકડવા માટે પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી, તેમજ સ્થાનિક પોલીસ તેમજ અને જિલ્લા એલસીબી સહિતની પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજીબાજુ, આ પ્રકરણમાં લાપરવાહી દાખવનાર પોલીસ કર્મચારીઓ પર પણ શિક્ષાત્મક કાર્યવાહીના પગલાં તોળાઇ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર-૨૦૧૮માં મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવતમાં આરિફ મીર પર હિતુભા ઝાલા સહિતના સાગરીતોએ ૨૦થી વધુ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જેમાં આરિફ મીર ઘવાયો હતો, જ્યારે ૧૩ વર્ષના વિશાલ બાંભણીયાનું મોત થયું હતું. આ ઘટનામાં એક કિશોરીને પણ ઇજાઓ થઇ હતી.
એસ.પી.રિંગ રોડ પર શાંતિપુરા ચોકડી આસપાસ ફરાર આરોપીઓ હોવાની બાતમી એટીએસની ટીમને મળતા હિતુભા ઝાલા સહિતના આરોપીઓને બે મહિના પહેલા પકડ્યા હતા.
એટીએસની ટીમે કાળા રંગની નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કારમાંથી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા પાસેથી ૯ એમ.એમ.ની ઇમ્પોર્ટેડ પિસ્ટલ, આઠ કારતૂસ મળી આવ્યા હતાં. જ્યારે કારના ચાલક ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને ૫ાંચ કારતૂસ મળી આવ્યા હતાં.
તેમની સાથે ઉત્તર પ્રદેશના બે શાર્પ શૂટર અંગ્રેજ ભવાનીપ્રસાદ ચૌધરી અને જીતેન્દ્ર મોર્ય તથા ખુમાનસિંહ જાડેજાને ઝડપી લેવામાં આવ્યા હતા. ચકચારભર્યા આ કેસમાં મોરબી કોર્ટમાં આજે મુદત હતી અને પોલીસ જાપ્તામાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા તે દરમ્યાન આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને રફુચક્કર થઇ ગયો હતો, જેને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી.