મોરવા ગામ નજીક બેફામ કારે ત્રણ વૃદ્ધોને કચડી નાખતા ચકચાર
અમદાવાદ: પંચમહાલ જિલ્લાના ગોધરાના શહેરા તાલુકાના મોરવા ગામ નજીક કાર ચાલકે મોર્નીંગ વોક કરવા નીકળેલા ત્રણ સિનિયર સીટીઝન વૃદ્ધોને ટક્કર મારતા તેમના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. એકસાથે ત્રણ વૃધ્ધના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ખાસ કરીને, સ્થાનિક લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી અને ત્રણેયના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મોરવા ગામ નજીક વહેલી સવારે મોર્નીંગ વોક પર ત્રણ સિનિયર સિટિઝન સાથે નીકળ્યા હતા અને તેઓ રૂટીનમાં ચાલતા જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ સ્પીડમાં આવતી કારે ત્રણેયને અટફેટે લીધા હતા.
જેના કારણે આ ત્રણયે વૃધ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેમના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને પીએમ માટે મૃતકોને શહેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ ડો. સુરેશ પટેલ (ઉં.વ. ૬૨), પટેલ ગુણવંતભાઈ નાથાભાઇ (ઉં.વ. ૬૦) અને વાળંદ રણછોડભાઈ મગનભાઈ (ઉં.વ. ૬૦) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી કારચાલકની વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જા કે, કારચાલકના આ ગંભીર ગુનાહીત કૃત્યને લઇ સ્થાનિક લોકોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો હતો.