મોરારિબાપુએ જનતા કર્ફ્યૂની અપીલને બિરદાવી: લોકોને જોડાવવા આહવાન કર્યું
રાજકોટ, કથાકાર મોરારિ બાપુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂની અપીલને બિરદાવતા લોકોને તેમાં જોડાવવા માટે આહવાન કર્યું છે. મોરારિબાપુએ કહ્યું છે કે ૨૨ એપ્રિલના રોજ લોકો સ્વયંભૂ જનતા કર્ફ્યૂનું પાલન કરે અને ઘરમાંથી બહાર ન નીકળે. આ સાથે જ મોરારિબાપુએ તેમના એક ભક્ત તરફથી મળેલા એક કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. મોરારિબાપુ ઉપરાંત કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ લોકોને અપીલ કરતા એક દિવસની જનતા કર્ફ્યૂમાં જોડાવવાનું આહવાન કર્યું છે. આ ઉપરાંત ગુજરાત જાણીતા ખ્યાતનામ કલાકારોએ પણ લોક જાગૃતિ માટેની તેમને ફરજ અદા કરતા લોકોને અપીલ કરી છે.
રાષ્ટ્ર પર આવેલા કોરોનાના સંકટને પગલે મોરારિબાપુના એક ભક્ત રમેશભાઈ સચદેવે તેમને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. સંકટ સામે ઉપયોગી થાય તેવા હેતુથી મળેલું દાન મોરારિબાપુએ રાષ્ટ્રને નામ અર્પણ કરી દીધું છે. મોરારિબાપુએ આ એક કરોડ રૂપિયા વડાપ્રધાન રાહતફંડમાં આપવાની જાહેરાત કરી છે. મોરારિબાપુના ભક્ત એવા રમેશભાઈ સચદેવ લંડન ખાતે રહે છે.
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ૨૨મી માર્ચ, ૨૦૨૦ એટલે કે રવિવારે લોકોને જનતા કર્ફ્યૂ માટેની અપીલ કરી છે. એટલે કે આ દિવસે સવારે સાત વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. વડાપ્રધાનની આ અપીલમાં જોડાવવા માટે ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પણ લોકોને અપીલ કરી છે. માયાભાઈ આહિર, કિંજલ દવે, હેમંત ચૌહાણ, સાંઇરામ દવે, ગીતા રબારી તેમજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ લોકોને સાવચેત રહેવા તેમજ એક દિવસ માટે જનતા કર્ફ્યૂમાં જોડાવવા માટે અપીલ કરી છે. તમામ લોકોએ અપીલ કરી છે કે લોકો જનતા કર્ફ્યૂમાં જોડાય અને કોરોના સામે લડત આપે