Western Times News

Gujarati News

મોરારીબાપુ ઓલમ્પિકના ખેલાડીઓને ૫૭ લાખ આપશે

પ્રસાદીના રૂપમાં ૨૨૮ ખેલાડીઓને ૨૫,૦૦૦ મળશે મોરારી બાપુએ ઓલમ્પિકમાં સામેલ થનારા તમામ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી

ભાવનગર,  મોરારી બાપુ ગત ૮ દિવસથી અમરકંટકમાં રામકથાનું ગાન કરી રહ્યા છે. આઠમા દિવસે મોરારીબાપુ એ જાપાનની રજધાની ટોક્યોમાં રમાઇ રહેલા ઓલમ્પિક ગેમ્સના દરેક ખેલાડીને આર્શિવાદ આપતાં પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને તેમણે જણાવ્યું હતું કે હાર જીતતો ગૌણ છે. પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરીને ખેલાડી ઓલમ્પિક સુધી પહોચે તે આપણા માટે ગૌરવની વાત છે.

આપણા વડાપ્રધાન સમયાંતરે ખેલાડીઓ સાથે વાત કરીને તેમનો ઉત્સાહ વધારે છે. તે ખૂબ જ પ્રશંસનીય છે. ૨ દિવસથી મારા મનમાં ચાલી રહ્યું હતું કે હાર જીત મહત્વની નથી. દરેક ખેલાડીને પ્રસાદીના રૂપમાં થોડી રકમ મોકવા માંગુ છું.

રકમનું કોઇ મહત્વ નથી. પોત પોતાના પ્રાંતના ખેલાડીઓને લોકો કરોડો રૂપિયા આપે છે. હું તેમનું સ્વાગત કરું છું. હું અમરકંટકની વ્યાસપીઠ પર ઓલમ્પિકમાં ગયેલા ૨૨૮ ખેલાડીઓને ૨૫,૦૦૦/- (કુલ ૫૭) પ્રસાદીના રૂપમાં આપવા માગું છું. એક અઠવાડિયામાં આ રકમ ખાતામાં જમા થઇ જશે.

મોરારી બાપુએ ટોક્યો ઓલમ્પિકમાં સામેલ થનારા તમામ ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પ્રત્યે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને તેમને સખત મહેનત અને સફળતાં પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ટોક્યો ઓલમ્પિકમાં સામેલ તમામ ૨૨૮ લોકો,

જેમાં ખેલાડીઓ, કોચ અને સાથે ગયેલા તમામ વ્યક્તિને રૂ. ૨૫-૨૫ હજાર પ્રસાદરૂપે પહોંચતા કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. પૂજ્ય મોરારી બાપૂએ તેમને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન જાળવી રાખવાની શુભેચ્છા પાઠવી હતી.

મોરારીબાપુ એ આર્શિવચન કહેતાં કહ્યું હતું કે ખુશ રહો, ખુશ રહો! જે જીત્યા અને જે જીત્યા નથી તે પણ. ઓલમ્પિક સુધી પહોંચવું તે પોતાનામાં ગૌરવની વાત છે. અને તેમને ગાઇડ કરવા માટે તેમની સાથે જે જે ગયા છે તે બધાને વ્યાસપીઠ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.