મોર્નિંગ વોક માટે અગાશી પર ગયેલી મહિલાનું મોત થયું
વલસાડ, વલસાડના છીપવાડ વિસ્તારમાં અજીબ બનાવ બન્યો હતો. આજે સવારે એક મહિલા પોતાના એપાર્ટમેન્ટ પર મોર્નિગ વોક માટે ગઈ હતી. ત્યારે કસરત દરમિયાન મહિલા એપાર્ટમેન્ટની નીચે પટકાઈ હતી. ટેરેસ પરથી વીજ તાર પર પડ્યા બાદ જમીન પર પટકાતા મહિલાનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના છીપવાડના દાણા બજાર વિસ્તારમાં મોટી વીલા એપાર્ટમેન્ટ આવેલું છે. આજે સવારે આ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રૂમ ન.૩૦૨ માં રહેતા નયુબાઈ ગતારામ કુનમાંજી (ઉંમર વર્ષ ૫૮) પોતાના નિત્યક્રમ મુજબ મોર્નિગ વોક માટે અગાશી પર ચઢ્યા હતા. નયુબાઈ એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા. મોર્નિંગ વોક દરમિયાન નયુબાઈને ચક્કર આવ્યા હતા.
જેથી તેઓ એપાર્ટમેન્ટની ટેરેસ્ટ પરથી નીચે વીજ વાયરને સ્પર્શ કરીને સીધા જમીન પર પટકાયા હતા. નયુબાઈ કુનમાંજીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. નયુબાઈ છેલ્લા ઘણા મહિનાથી બીમારીથી પીડાતા હતા. તેમની બીમારીના કારણે તેમને અનેકવાર ચક્કર આવતા હોવાનું પરિવારજનોએ પોલીસ તપાસમાં જણાવ્યું.
જે કારણે આજે મહિલાનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસની ટીમ તથા વીજ કંપનીના કર્મચારીઓ તથા ૧૦૮ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મહિલા વીજ તારા પર પટકવાને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. પોલીસે મહિલાના મૃતદેહનો કબજાે લઈ પી.એમ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.