મોવીથી ડેડીયાપાડાને જોડતા કરોડો રૂપિયા ખર્ચે બનેલા રોડની કામગીરીમાં ભારે ગોબાચારી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ તાલુકાના મોવી ગામના ત્રણ રસ્તાથી ડેડીયાપાડાને જોડતા કરોડો રૂપિયા ખર્ચે નવનિર્માણ થઈ રહેલા રસ્તાના ખકતર્મુહતની કામગીરી ભરૂચ સાંસદ અને ડેડીયાપાડાના ધારાસભ્યના હસ્તે થઈ હતી.જેમાં પ્રથમ તબક્કા કામગીરીમાં ભારે ગોબાચારીને લઈને સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર ખાડાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કયતાં રહીશોમાં રોષ ભભુકી ઉઠ્યો છે.જેમાં મોવી ગામથી ડેડીયાપાડાને જોડતો રસ્તો થોડા વર્ષો પહેલા બન્યો હતો.૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગ્રામ્ય વિસ્તારો આવેલા હોવાથી સરકારી તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ,સરકારી કામો રાખતા ઠેકેદારોની મિલીભગતને લઈને આદિવાસી પટી ધરાવતા વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્રારા અનેક યોજનાઓ પાછળ લાખો-કરોડો રૂપિયા ખર્ચી રહી છે.
જેમા ભારે ભ્રષ્ટાચાર આચવામાં આવતો હોવાથી તમામ કામો તકલાદી થઈ રહ્યા છે.જેમાં હાલમાં રૂપિયા ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચ થી નેત્રંગ તાલુકા મોવી ત્રણ રસ્તાથી યાલ, કોલીવાડા,પંનગામ,ગાજરગોટ,ધાટોલી, રાખસકુંડી, ટીમબાપાડા જેવા ગામોના રહીશો ડેડીયાપાડા અને જીલ્લા મુખ્ય મથક રાજપીપળા સમયસર પોતાની કામગીરી માટે પહોચી શકે,શહેરી વિસ્તાર માંથી જંગલ વિસ્તારમાં આવેલા પ્રવાસ સ્થળો જેવા કે નિનાઈ ધોધ,માલસામોટ,દેવમોગરા વિગેરે સ્થળોની મુલાકાત સારી રીતે લઈ શકે અને મહારાષ્ટ્ર રાજય માંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે સીધો અને સરળ રસ્તાથી પ્રવાસીઓ મુલાકાત લઈ શકે
તે માટે રાજ્ય સરકાર દ્રારા રસ્તાના નવીનીકરણ માટે ૧૧ કરોડ ૭૨ લાખ જેટલી માતબર રકમ નકકી કરી ને જે-તે ઠેકેદારને કામગીરી સોપવામાં આવી હતી.જેનું ખાતર્મુહત તાજેતરમાં જ ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાના હસ્તે મોવી ત્રણ રસ્તા ખાતે કરવામાં આવતા મોવી થી ડેડીયાપાડા સુધીના ગ્રામ્ય વિસ્તારની પ્રજામાં આનંદની લાગણી ફરી વળી હતી.
પરંતુ ઠેકેદાર અને ઉચ્ચ અધિકારીઓની મિલી ભગતને લઈને ટેન્ડર મુજબ કામગીરી નહિ કરવામાં આવતા રોડ માત્ર પ્રથમ ચરણની કામગીરીને માંડ એક માસનો સમયગાળો પસાર થયો નથી.ત્યાં જ રસ્તાની બદ્દતર હાલત જોવા મળી છે.સામાન્ય વરસાદના માહોલમાં જ ઠેર-ઠેર ખાડા પડતા રસ્તાના નિર્માણકાર્યમાં ભારે ગોબાચારી થઈ રહેવાની આશંકાઓ જણાઈ રહી છે.હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.રસ્તામાં સામાન્ય વરસાદી પાણીથી જ ખાડા પડતા વાહનચાલકો-રાહદારીયોઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.આ બાબતે ઉચ્ચસ્તરીય તપાસની લોકમાંગ ઉઠી છે.