મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ
રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનોએ રાજપીપલા-નેત્રંગ-દેડીયાપાડા રસ્તાનો ઉપયોગ કરવો
રાજપીપલા, નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલક-૩૩-(૧) (બી) તથા વંચાણ-૨ થી મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનો (ટ્રક, મલ્ટી એક્સેલ તથા હેવી કોમર્શીયલ વાહનો) ની અવરજવર તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી બંધ રાખવા તથા રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનોએ રાજપીપલા-નેત્રંગ-દેડીયાપાડા રસ્તાનો ઉપયોગ કરવા ફરમાવેલ છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૫/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૬/૨૦૨૧ સુધી કરવાની રહેશે.
અપવાદરૂપ કિસ્સામાં ભારે વાહનોમાં સરકારી બસ (ST બસ) સેવાને મુક્તિ આપવા ફરમાવેલ છે. સરકારી બસને આ જાહેરનામા અન્વયે પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યો છે.