મોહમ્મદ રિઝવાને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં એક હજાર રન પૂરા કર્યા
દુબઇ, પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને ટી ૨૦ ઈન્ટરનેશનલમાં મોટી સિદ્ધિ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. તેણે જે પરાક્રમ કર્યું છે (રિઝવાન ટી૨૦ રેકોર્ડ), તે આજ સુધી યુનિવર્સલ બોસ કહેવાતા ક્રિસ ગેલ સિવાય ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન કેપ્ટન રોહિત શર્મા જેવા દિગ્ગજ પણ કરી શક્યા નથી.
આપને જણાવી દઇએ કે, મોહમ્મદ રિઝવાને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં એક હજાર રન પૂરા કર્યા છે. અત્યાર સુધી દુનિયાનો કોઈ ખેલાડી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. રિઝવાને ટી૨૦ જે કારનામો કરી બતાવ્યો છે તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે અને આ રેકોર્ડને કોઈ તોડવો પણ મુશ્કેલ રહેશે.
ભવિષ્યમાં જ્યારે પણ સવાલ આવશે કે ટી ૨૦ ઈન્ટરનેશનલનાં કેલેન્ડર વર્ષમાં પ્રથમ હજાર રન કોણે બનાવ્યા ત્યારે રિઝવાનનું નામ જ લખવામાં આવશે. ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં એક કેલેન્ડર વર્ષમાં પ્રથમ હજાર રન કોણે બનાવ્યા તેવો જ આ પ્રશ્ન છે. જવાબ એ છે કે ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ક્રિકેટર ક્લેમ હિલે ટેસ્ટમાં આ સિદ્ધિ પ્રથમ હાંસલ કરી હતી. આ રેકોર્ડ ૧૧૯ વર્ષ પહેલા એટલે કે ૧૯૦૨માં બન્યો હતો. ત્યારે ક્લેમ હિલે એક કેલેન્ડર વર્ષમાં ૧૦૬૦ ટેસ્ટ રન બનાવ્યા હતા.
જાે આપણે વનડે ફોર્મેટની વાત કરીએ તો આ રેકોર્ડ ૩૮ વર્ષ પહેલા બન્યો હતો. આ સિદ્ધિ ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ ગોવરે હાંસલ કરી હતી. ગોવરે ૧૯૮૩માં એક કેલેન્ડર વર્ષમાં ૧૦૮૬ વનડે રન બનાવ્યા હતા. એટલે કે હવે ટેસ્ટ અને વનડે બાદ ટી ૨૦ ફોર્મેટમાં પણ પ્રથમ એક હજાર રન કરનાર બેટ્સમેન મળી ગયો છે. ક્લેમ હિલ અને ડેવિડ ગોવર બાદ હવે રિઝવાનનું નામ ઈતિહાસમાં નોંધાઈ ગયું છે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૧ની બીજી સેમિફાઇનલ ગુરુવારે (૧૧ નવેમ્બર) રમાઈ. આ જ મેચમાં મોહમ્મદ રિઝવાને ૫૨ બોલમાં ૬૭ રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ટી ૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં તેના ૧૦૦૦ રન પૂરા કર્યા હતાં.HS