મૌજપુર હિંસામાં હેડ કોન્સ્ટેબલનું મોત, DCP ઘાયલ, કલમ 144 લાગૂ
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર વિરુદ્ધ દિલ્હીના ગોકુલપુરી થાણા ક્ષેત્રના મૌજપુર વિસ્તારમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પથ્થરમારામાં ઘાયલ થયેલા એક પોલીસકર્મીનું મોત થઈ ગયું છે. મૃતક પોલીસકર્મીની ઓળખ હેડ કોન્સ્ટેબલ રતન લાલ તરીકે કરવામાં આવી છે. જ્યારે શાહદરાના ડીસીપી અમિત શર્મા ઘાયલ થયાના સમાચાર છે.આ દરમિયાન સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
આ પહેલા ઉત્તર-પૂર્વ દિલ્હીના ઝાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં દેખાવકારોએ ઓછામાં ઓછા બે ઘરોમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે તણાવ વધી ગયો હતો. આ વિસ્તારમાં સોમવારે સતત બીજા દિવસે સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. દેખાવકારોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે દેખાવકારોને ખસેડવા માટે ટિયર ગેસ છોડ્યા હતા. પોલીસે બંને જૂથના શાંત પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં લાગેલી આગને બૂઝાવવા પહોંચેલી ફાયરબ્રિગેડની ગાડીને પણ દેખાવકારોએ નુકસાન પહોંચાડ્યું હતું.