મૌનને કમજોરી સમજવાની ભૂલ ના કરતાઃ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેનું રાજ્યના લોકોને સંબોધન-બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત સાથેના વિવાદ મામલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એક શબ્દ ન કહ્યો
મુંબઈ, બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણૌત સાથેના બહુચર્ચિત વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે સંબોધનમાં કંગના-શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે કંઈ જ કહ્યું નહોતું અને શિવસૈનિકો દ્વારા નૌકાદળના પૂર્વ અધિકારી સાથે કરવામાં આવેલી મારપીટ મુદ્દે પણ બોલવાનું ટાળ્યું હતું. સંબોધનના પ્રારંભે જ ઉદ્ધવે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાજકીય મુદ્દા પર કંઈજ ટિપ્પણી નહીં કરે.
જો કે તેમણે કોરોના વાયરસના સંદર્ભમાં તેમજ અન્ય વિવાદનો આડકરો ઉલ્લેખ કરીને જણાવ્યું કે મહારાષ્ટ્રની છબિ ખરાબ કરવાનો કારયો ઘડાયો છે. છેલ્લા ઘણા દિવસોથી મે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને આગળ પણ રાજકીય વંટોળનો સામનો કરતો રહીશ, પરંતુ મારી ખામોશીને લોકો મજબૂરીના સમજે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે મરાઠા અનામત મુદ્દે વિધાનસભાએ એકસાથે મળીને મરાઠા સમાજ માટે અનામતની જાહેરાત કરી છે.
પહેલા હાઈકોર્ટમાં કેસ ગયો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયો. મરાઠા અનામતને સ્ટે આપવાની જરૂર નહતી, પરંતુ સ્ટે આપવામાં આવ્યો છે. હું તમામ નેતાઓ સાથે આ મુદ્દે સંપર્કમાં છું. સીએમ ઠાકરેએ જણાવ્યું કે હવે સમગ્ર દુનિયામાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. ગામડાઓ સુધી કોરોના પહોંચી ગયો છે. કોરોનાને લઈને કોઈએ ડરવાની જરૂર નથી, તમે બસ સાવચેત રહો, અમે જવાબદારીપૂર્વક કામ કરી રહ્યા છીએ. કેટલીક જવાબદારી તમે ઉપાડો અને કેટલીક અમે ઉપાડીશું.
મહારાષ્ટ્રની સ્થિતિ સંપૂર્ણ રીતે ખરાબ નથી થઈ. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ૧૫ સપ્ટેમ્બરથી અમે એક અભિયાન શરૂ કરી રહ્યા છીએ. જે લોકો મહારાષ્ટ્રને પ્રમે કરે છે, તેઓ આ અભિયાનને આગળ ધપાવવું પોતાની જવાબારી સમજશે. મહારાષ્ટ્ર આપણો પરિવાર છે, તેને સુરક્ષિત રાખવો આપણી જવાબદારી છે. એટલા માટે અભિયાનનું નામ મારો પરિવાર, મારી જવાબદારી રખાયું છે. માસ્ક જ આપણો બ્લેક બેલ્ટ છે અને તે કોરોના સામેના જંગમાં આપણી રક્ષા કરશે.