મૌલાના રાશિદ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી થાય: વિહિપ
નવીદિલ્હી, મૌલાના સાજિદ રાશિદીનાં નિવેદન પર નારાજગી વ્યક્ત કરતા વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (એનએસએ) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અયોધ્યામાં ભૂમિપૂજન બાદ અખિલ ભારતીય ઇમામ એસોસિએશનનાં અધ્યક્ષ સાજિદ રશીદીએ વિવાદિત નિવેદન આપ્યું હતું અને મંદિર (અયોધ્યા રામ મંદિર) તોડી પાડવાની ચેતવણી આપી હતી. જે અંગે વીએચપીએ પ્રતિક્રિયા આપી છે.
સંગઠનનું કહેવું છે કે, આવા ભડકાઉ નિવેદનને સહન કરવામાં આવશે નહીં. આવી વાત કરવા બદલ એનએસએ હેઠળ કાર્યવાહી થવી જોઇએ. વિશ્વ હિન્દુ પરિષદનાં રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, ‘અયોધ્યામાં સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આમ છતા, ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનનાં પ્રમુખ મૌલાના મોહમ્મદ સાજીદ રશીદીએ મંદિર તોડવા અંગે ભડકાઉ નિવેદનો આપ્યા છે. આ રાજદ્રોહ છે. સરકારે આવા લોકો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવી જોઈએ. વીએચપી નેતાએ કહ્યું કે, સંગઠન આવા ભડકાઉ નિવેદનોને સહન કરશે નહીં.
૫ ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં, ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનનાં પ્રમુખ મૌલાના મોહમ્મદ સાજીદ રશીદીએ રામ મંદિરનાં ભૂમિપૂજન અંગે નારાજગી દર્શાવતા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઇસ્લામ કહે છે કે મસ્જિદ હંમેશા મસ્જિદ રહેશે. મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી ન હોતી. હવે મસ્જિદ બનાવવા માટે મંદિરને તોડી શકાય છે. વિશ્વ હિન્દુ પરિષદે મૌલાનાનાં નિવેદનને ધ્યાનમાં લઈને રોષ વ્યક્ત કર્યો છે.HS