Western Times News

Gujarati News

મ્યુકરમાઇકોસિસની સારવારનાં ઇન્જેક્શનની કાળા બજારી ઝડપાઇ

Files Photo

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લામાં વર્તમાન સમયે મ્યુકરમાઈકોસિસનાં કેસો વધી રહ્યા છે. આ રોગની સારવાર માટે  ઇન્જેક્શન ખુબ જ મહત્વનાં હોય છે. પરંતુ દર્દીઓમાં આ ઇન્જેક્શનની માંગ વધુ હોવાથી કેટલાક શખ્સો આ કાળા બજારી કરી રૂપિયા રળી લેવાની લાહયમાં માનવતા નેવે મુકી ઇન્જેક્શનની કાળાબજાર કરી વધુ રૂપિયા પડાવી લોકોની મજબુરીનો લાભ લઇ રહ્યા છે. આ સારવાર માટે દર્દીને ઇન્જેક્શન આપવા જરૂરી હોય છે ત્યારે દર્દીઓનાં સગાઓ પણ આવા કાળાબજારી કરતા લોકોનો ભોગ બન્યા છે.

મોધા ભાવે ઇન્જેક્શન ખરીદ કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ આવો જ એક ગોરખ ધંધો ચાલતો હોવાની પોલીસને જાણ થતા બાતમીદારોને કામે લગાડી અને તપાસ કરતા આ ગોરખ ધંધા શહેરનાં સી.જે. રોડ પર ચાલતો હોવાનું જાણ માં આવ્યુ હતુ. જેથી પોલીસની વોચ દરમ્યાન શહેરમાંથી લીંબડી ખોડીયારનગરમાં રહેતા દલસુખ જેરામભાઇ પરમારને દબોચી તેની તલાસી લેતા મ્યુકરમાઈકોસિસની સારવારનાં ૨૦ ઇન્જેક્શન મળી આવ્યા હતા. તેની પુછપરછ કરતા તેણે આ ઇન્જેક્શન હરસિધ્ધી પાર્કમાં રહેતા સમીર અબ્દુલભાઇ મનસુરી પાસેથી રૂપિયા નવ હજાર લેખે ખરીદ કર્યા હતા. જેથી પોલીસે છાપો મારી આરોપી સમીરને પણ ઝડપી લીધો હતો અને પુછપરછ હાથ ધરી હતી.

બન્ને આરોપીઓને અટક કરી અને આ ઇન્જેક્શન કયાંથી લાવ્યા અને કોને કોને વેચ્યા તેમજ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરી આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હજુ આ મ્યુકરમાઈકોસિસ ઇન્જેક્શનમાં શહેરનાં અનેક લોકોનાં નામો ખુલે તેવી પોલીસને આશા છે.

હાલ તો દર્દીઓને લુટતા આ બન્ને આરોપીઓ દલસુખ જેરામભાઇ પરમાર અને સમીર અબ્દુલભાઇ મનસુરીને રૂપિયા ૧.૪૦ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પુછપરછ હાથ ધરી છે. પરંતુ આવા આજનાં દુશ્મનોને હવે પોલીસ શુ સજા અપાવે છે તે જાેવુ રહ્યુ અને આ કૌભાંડમાં હજુ કેટલા લોકોએ કાળા હાથ કરેલ છે અને કેટલા ઝડપાય છે તે પણ જાેવુ રહ્યુ. તેમજ પોલીસે આ ઇન્જેક્શન નકલી છે કે અસલી તેની તપાસ માટે ડ્રગ્સ વિભાગને પુથ્થકરણ માટે મોકલી આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.