મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેક્શન માત્ર ૨૪૦ રૂપિયામાં મળી શકશે
મ્યુકોર.ના અત્યાર સુધીમાં ૨૩૮૧ કેસ નોંધાયા છે અમદાવાદમાં ૩૫ દર્દીના જ્યારે સુરતમાં ૨૧ દર્દીના મોત મ્યુકોરમાઈકોસિસ બીમારીને કારણે થયા છે
ગાંધીનગર, રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસ જેને આપણે બ્લેક ફંગસ તરીકે પણ ઓળખીએ છે તેનાં કારણે હાહાકાર મચ્યો છે. રાજ્યમાં આ જીવલેણ બીમારીનાં કેસો રોજેરોજ વધી રહ્યાં છે પરંતુ આ બીમારીમાં એક રાહતનાં સમાચાર સામે આવ્યાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેક્શન હવે માત્ર ૨૪૦ રૂપિયામાં મળી શકે છે.
આજે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા આ જાહેરાત થઇ શકે છે. આ સાથે તમામ સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં આ જથ્થો પૂરતા પ્રમાણમાં પણ મળી રહે તે અંગેની ગોઠવણ થશે. મળતી માહિતી પ્રમાણે, જાે મ્યુકોરમાઇકોસિસનાં એક ઇન્જેક્શનની કિંમતમાં ઘટાડો થશે તો એક વ્યક્તિનાં સારવાનો ખર્ચ ૧૦થી ૧૫ લાખ સુધી પહોંચતો હતો
તે માત્ર હવે ૪૦૦૦ રૂપિયાની આસપાસમાં જ પૂર્ણ થઇ જશે. અમદાવાદમાં સોલા સિવિલ અને અસારવા સિવિલથી ઇન્જેક્શન ઉપલબ્ધ થઇ શકે છે. આ અંગેની જાહેરાત પણ રાજ્ય સરકાર કરશે કે દર્દીની સારવાર માટે આ મહત્ત્વનાં ઇન્જેક્શન ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાશે. ઇન્જેકશનના વિતરણ બાબતે ૬૩૫૭૩ ૬૫૪૬૨ નંબર પરથી સંપૂણ માહિતી મેળવી શકાશે. રાજ્યમાં મ્યુકોરમાઈ કોસિસના અત્યાર સુધીમાં કુલ ૨૩૮૧ કેસ નોંધાયા છે.
જ્યારે અત્યાર સુધીમાં મ્યુકોરમાઇ કોસિસનાં ૮૧ દર્દીના મોત થયા છે. અમદાવાદમાં ૩૫ દર્દીના જ્યારે સુરતમાં ૨૧ દર્દીના મોત આ જીવલેણ બીમારીને કારણે થયા છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલી નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર લેતા મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
જે માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇડી પર મોકલવાના રહેશે. સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી, દાખલ દર્દીના કેસની વિગત(તબીબના પ્રિસ્ક્રીપ્શન (અસલ) તેમજ કેસની હિસ્ટ્રીશીટ) દર્દીના આધારકાર્ડની નકલ, મ્યુકોરમાઇકોસીસના નિદાનની વિગત, સારવાર આપતા તબીબનો ભલામણપત્ર, હૉસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર મોકલવાની રહેશે. વ્યક્તિગત ઇમેલ કે ઓફિશિયલ આઇડી સિવાય અન્ય ઇમેલ પરથી આવેલ ડેટાને માન્ય રાખવામાં આવશે નહી.