મ્યુનિસિપલ કોંગ્રેસ નેતા દીનેશ શર્મા કોરોના પોઝીટીવ : SVPમાં દાખલ કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા કોરોના પોઝિટિવ જાહેર થયા છે. તેમની સાથે તેમના પુત્ર નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વિપક્ષ નેતા અને તેમના પુત્ર ને એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોંગ્રેસ નેતા દિનેશભાઇ શર્મા અને તેમનો પુત્ર કોરોના સંક્રમણ નો ભોગ બન્યા છે. દિનેશભાઇ શર્મા ને ન્યુમોનિયા ની અસર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસના અન્ય નેતાઓની જેમ દિનેશ શર્મા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ અને શ્રમિકોને વતન પહોંચાડવાની કામગીરીમાં જોડાયા ત્યારે તેમને સંક્રમણ લાગ્યું અને તેનાથી તેમના પુત્રને પણ ચેપ લાગ્યો હોવાની શંકા છે. દિનેશ શર્મા બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે.
હાલ તેમનો પરિવાર ક્વોરંટીન કરાયો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી 7 કોર્પોરેટર્સને કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે.જયારે બે ધારાસભ્ય પણ કોરોના ની ઝપટમાં આવી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટી કોરોના ની ઝપટમાં આવી ગઈ છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા સારવાર બાદ કોરોના મુક્ત થયા છે.લગભગ 10 જેટલા કાર્યકરો ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.. કોરોના મહામારી માં કોંગ્રેસે બદરુદ્દીન શેખ જેવા પીઢ અને અભ્યાસુ નેતા તેમજ હબીબ મેવ જેવા લડાયક નેતા ગુમાવ્યા છે.
બદરુદ્દીન શેખ ના અવસાન બાદ તેમના સાથી મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડા નો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેઓ સારવાર બાદ કોરોના મુક્ત થઈ ગયા છે. જયારે ઇન્ડિયા કોલોની વોર્ડ ના કોંગી કોર્પોરેટર પણ કોરોના ની ઝપટમાં આવ્યા હતા. યશવંત યોગી ને રિપોર્ટ કર્યા વિના જ રજા આપવામાં આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી છે. ભાઈપુરા ના મહિલા કોર્પોરેટર ઇલાક્ષી બેન પટેલ પણ સંક્રમણ નો ભોગ બન્યા છે. ભાજપ ના કોર્પોરેટર રમેશભાઈ પટેલ, પ્રીતિબેન ભરવાડ અને જ્યોત્સના બેન પટેલ ને પણ ચેપ લાગ્યો હતો. જ્યારે નિકોલ ના ધારાસભ્ય જગદીશ ભાઈ વિશ્વકર્મા પણ બે દિવસ પહેલા જ કોરોના પોઝીટીવ જાહેર થયા છે.