મ્યુનિસિપલ કોર્પોરેશને ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ૫૦ જેટલા ઝુંપડા હટાવી ટી.પી.રોડ ખુલ્લો કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા ટી.પી.રોડ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ગોમતીપુરમાં ટી પી રોડ અમલ કર્યા બાદ શુક્રવારે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ટી.પી.રોડનો અમલ કરી ૫૦ કરતા વધુ કાચા-પાકા ઝુંપડા દૂર કરવામાં આવ્યા છે મ્યુનિ. પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ ઘ્વારા શુક્રવાર સવારે ૯-૩૦ વાગ્યા થી ગુલબાઈ ટેકરા થી પાંજરાપોળ તરફ જતા રસ્તા પર બની ગયેલા ઝુંપડા દૂર કરી ટી.પી.રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
જેના માટે ઝોનના એસ્ટેટ વિભાગની તમામ ટીમો દ્વારા બેથી વધુ જેસીબી અને ૧૦ જેટલા નાના-મોટા વાહનો સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.. ૧૦૦ મીટરના અંદાજે ૨૪ મીટર જેટલા પહોળો રોડ પર અડધો રોડ દબાણોના કારણે રોકાઈ ગયો હતો. તાડપત્રીથી બાંધેલા ઝૂંપડા અને અન્ય દબાણોના કારણે ત્યાંથી વાહનો પસાર થવામાં તકલીફ પડતી હતી. જેથી આ રોડ પરથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ગુલબાઈ ટેકરા વિસ્તારનો આ રોડ વર્ષોથી દબાણના કારણે ખુલ્લો કરવામાં આવતો નહોતો. જો કે હવે રોડ ખુલ્લો કરવા માટે દબાણ દૂર કરવાની કાર્યવાહીના ભાગરૂપે આ રોડ પર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જો કે આ દબાણો દૂર કર્યા બાદ ફરી દબાણ ન થાય તે રીતનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.