પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીઓને બર્ડ ફલૂથી બચાવવા લેવામાં આવતા સાવચેતીના પગલાં
અમદાવાદ, દેશના અનેક રાજ્યો બર્ડફલૂ ની ઝપટમાં આવી ગયા છે. રાજ્ય માં બર્ડ ફ્લૂ નો પગપેસારો થઈ ગયો છે.
જેના કારણે બર્ડ ફ્લુને લઇ રાજ્ય સરકાર તેમજ મ્યુનિ. તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે . અમદાવાદ શહેરમાં પણ બર્ડ ફલૂ માટે સંવેદનશીલ કહી શકાય તેવા વિસ્તારમાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરીયા વિસ્તારમાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પક્ષીઓની નજીક મુલાકાતીઓ જઇ ન શકે તે માટે સાવચેતી ના તમામ પગલા લેવામાં આવ્યા છે. તેમજ મુલાકાતીઓને મુખ્ય રસ્તાને બદલે સર્વિસ રોડ પરથી પ્રવેશ આપવામા આવી રહ્યો છે.
આ અંગે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સૂત્રોના જણાવ્યા મુજબ ઝુ માં રખાયેલા અલગ અલગ પક્ષીઓને બર્ડ ફ્લુથી બચાવવા માટે વિશેષ તકેદારી તેમજ ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવી રહ્યું છે.
મુલાકાતીઓ પક્ષીઓનાં પાંજરાની નજીક ન જઇ શકે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. તો બીજી તરફ મુલાકાતીઓને સ્પંચ પર પગ મુકીને આગળ જવા દેવામાં આવે છે જેથી તેમના પગ પણ સેનિટાઇઝ થઇ જાય.
આ સિવાય પક્ષીઓના પાંજરાની આગળ દિવસમાં બે વખત દવાનો છંટકાવ કરવામાં આવે છે. પાંજરાની અંદર રહેલા પક્ષીઓ માટેના પાણીનાં કુંડને રોજ ધોવામાં આવે છે તેમજ પાણીમાં એન્ટીબાયોટીક્સ દવા પણ નાંખવામાં આવે છે.
આ તમામ પ્રકારની વિશેષ તકેદારી દ્વારા કાંકરીયા પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા પક્ષીઓને બર્ડ ફ્લુથી બચાવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ કાંકરીયામાં ક્યારેય વિન્ટરના પ્રવાસી પક્ષીઓ આવતાં નથી. કેમકે આ પક્ષીઓ મુખ્યત્વે છીછરા પાણીના સ્તોત્ર હોય ત્યાં જ આવતાં હોય છે. જ્યારે કાંકરીયાએ છીછરા પાણીનો સ્તોત્ર નથી.
જેને કારણે પણ કાંકરીયા પ્રાણી સંગ્રહાલયમાં રહેલા પક્ષીઓને બર્ડ ફ્લુ થવાની શક્યતા ઓછી છે.