મ્યુનિસિપલ ભવનમાં પણ પાર્કિગ ચાર્જ ચૂકવવો પડશે
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના સંકુલમાં લાંબા સમયથી પાર્કિગની સમસ્યા ઉદ્દભવી છે. જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કચેરીમાં કામ માટે આવતા નાગરીકોએ તેમના વાહનના ર્પાકિંગનો ચાર્જ ચૂકવવો પડશે. કોર્પોરેશનના પાર્કિગમાં પહેલા ૧ કલાક ફ્રી ર્પાકિંગ રહેશે. ત્યારબાદ તેનો ૫થી ૧૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
કોર્પોરેશનના અધિકારીઓ,કર્મચારીઓ અને કોર્પોરેટરોને પાર્કિગના ખાસ સ્ટીકર આપવમાં આવશે જેની પાસે સ્ટીકર હશે તે જ વાહન કોર્પોરેશનના ર્પાકિંગમાં પાર્ક કરવા દેવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે આ મામલે જણાવ્યું હતું કે પાર્કિગ ચાર્જ કોઈ નફો કે પૈસા કમાવવા માટે નથી રાખ્યો પરંતુ આસપાસમાં આવેલા શોપિંગ કોમ્પલેક્સ અને દુકાનોમાં ખરીદી કરવા આવતા લોકો આ સંકુલમાં વાહનો પાર્ક કરીને જતાં રહે છે જેથી કચેરીમાં આવતા નાગરિકોને પાર્કિગમાં મુશ્કેલી પડે છે.