Western Times News

Gujarati News

મ્યુનિસિપલ શાસકોએ અધિકારીઓને આપેલી નાણાંકીય સત્તાનો દુરૂપયોગ થતો હોવાની શંકા

File

મ્યુનિસિપલ કમિશ્નરે એક વર્ષથી ૭૩ (ડી) ના કામો સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કર્યા નથી

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક દાયકાથી કમિશ્નરને સત્તા આપવાની નવી પ્રણાલી ચાલી રહી છે.  સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજુ થતાં તહેવાર, કાર્નિવલ કે સ્ટડી ટૂર ના ખર્ચ કરવાની સત્તા કમિશ્નરને સોંપવામાં આવે છે. એવી જ રીતે અગત્યના કામમાં સમયનો વ્યય ન થાય એવા શુભ આશયથી મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તથા અન્ય ખાતાના વડાઓને ખાસ નાણાંકીય સત્તા પણ આપવામાં આવી છે.

સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા આપવામાં આવતી નાણાંકીય સત્તાના દાયરામાં કોઈપણ કામ ટેન્ડર પ્રક્રિયા વિના કમિશ્નર સહિતના અધિકારીઓ કરી શકે છે. આ પધ્ધતિથી કામ કરવામાં આવ્યા હોય તેને સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજુ કરી મંજુરી લેવી જરૂરી છે. પરંતુ વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નરે ૭૩ (ડી) અંતર્ગત કરેલા કામોની મંજુરી લેવાનું મુનાસિબ માનતા નથી. તેથી છેલ્લા ઘણા સમયથી સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ ૭૩ (ડી) ના કામો પણ રજુ કરવામાં આવતા નથી. જેના કારણે મ્યુનિસિપલ કમિશ્નર નાણાંકીય સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિસિપલ સત્તાધીશોએ તેમની જવાબદારીમાંથી છટકવા માટે કમિશ્નરને વિવિધ પ્રકારની સતા આપી છે.જેમાં નાણાંકીય સત્તા મુખ્ય છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ, સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા કમિશ્નરને રૂ.૧પ લાખની નાણાંકીય સત્તા આપવામાં આવી છે. મતલબ કે રૂ.૧પ લાખ સુધીના કોઈપણ કામ માટે સબકમિટિ કે સ્ટેન્ડીંગ કમિટિની મંજુરી લેવાની રહેતી નથી. તેથી કમિશ્નરે તેમની મરજી મુજબ ‘નાણાંનો ઉપયોગ કરી શકે છે. પરંતુ કામ પૂર્ણ થયા બાદ તેની સંપુર્ણ યાદી સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજુ કરવાની રહે છે. જેનો અમલ છેલલા એક વર્ષથી કરવામાં આવ્યો નથી. મ્યુનિસિપલ કમિશ્નરને કોઈપણ કામમાં જીપીએમસી એક્ટની દુહાઈ આપવાની આદત છે. કમિશ્નરની નાણાંકીય સત્તાના નિયમોનો પણ જીપીએમસી એક્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે જેનો અમલ કમિશ્નર કરતા નથી!

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર જીપીએમસી એક્ટના પ્રકરણ-૭ (કરારો) માં કમિશ્નરની સત્તા અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કલમ ૭૩માં કોર્પોરેશન વતી કરારો કરવાની સતા અંગે ઉંડાણપૂર્વક નોંધ છે. કલમ ૭૩ (ડી) મુજબ કમિશ્નરે રૂ.એક હજાર કરતા વધારે અને રૂ.પાચ હજાર કરતા ઓછી રકમ અથવા સ્ટૈન્ડીંગ કમિટી દ્વારા ઠરાવવામાં આવી હોય એ રકમના ખર્ચ થાય એવા તમામ કરાર (ખર્ચ)ની વિગતો તે પછીના પંદર દિવસની અંદર સ્થાયી સમિતિને આપવાની રહે છે.

ચોંકાવનારી બાબત એ છે કે સદર પ્રકરણમાં કલમ ૭૩(સી)માં સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા કમિશ્નરને આપવામાં આવતી નાણાંકીય સત્તા સામે પ્રશ્નાર્થ કરવામાં આવ્યો છે. કલમ ૭૩ (સી) મુજબ રૂ.પાંચ હજાર કરતા વધારે અથવા ‘રાજ્ય સરકાર’ની મંજુરીથી કોર્પોરેશન દ્વારા ઠરાવવામાં આવે એ રકમ કરતા વધારે ખર્ચ થાય એવા કરાર સ્ટેન્ડીગ કમિટિની મંજુરી સિવાય કરવા નહીં.
આમ, કલમ ૭૩ (સી)માં સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા કમિશ્નરને જે નાણાંકીય સતા આપવામાં આવે છે તેના માટે રાજ્ય સરકારની મંજુરી ફરજીયાત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જ્યારે મ્યુનિસિપલ શાસકો વારંવાર નાણાંકીય સતામાં વધારો કરે છે. પરંતુ રાજ્ય સરકારની મંજુરી લેવામાં આવતી નથી. તેથી કમિશ્નર દ્વારા ૭૩(ડી) મુજબ કરવામાં આવતા ખર્ચને ગેરકાયદેસર માનવામાં આવે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ.

મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ કમલ ૭૩ (ડી) અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે પ્રજાકીય કામો અટવાઈ ન જાય એે હેતુથી કમિશ્નરને નાણાંકીય સતા આપવામાં આવે છે.


મ્યુનિસિપલ કમિશ્નર તથા અન્ય અધિકારીઓએ પ્રજાલક્ષી કામો માટે જ નાણાંકીય સત્તાનો ઉપયોગ કરવાનો રહે છે. તથા નિયમ મુજબ સ્ટેન્ડીંગ કમિટિને તેનો હિસાબ આપવાનો રહે છે. પરંતુ વર્તમાન કમિશ્નરે છેલ્લા એક વૃષથી ૭૩ (ડી) ના કામો સ્ટેન્ડીંંગ કમિટિ સમક્ષ રજુ કર્યા નથી. તે બાબતે અજુગતી લાગે છે. પ્રજાના કામ માટે નાણાં ખર્ચ કરવામાં આવ્યા હોય તો હિસાબ આપવામાં કમિશ્નરને ડર કેમ લાગે છે? શું મ્યુનિસિપલ કમિશ્નર કે ડેપ્યુટી કક્ષાના અધિકારીઓએ સદર નાણાંકીય સત્તાનો ઉપયોગ અંગત કામ માટે કર્યો હોય તથા તેને છુપાવવા માટે જ ૭૩(ડી) ના કામો રજુ કરતાં ન હોય તેમ પણ બની શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.