મ્યુનિસિપલ શાસકોને પ્રજાની આરોગ્ય સુખાકારીથી નિસબત નથી
આઈ.આર.સ્પ્રે ફોગીંગ મશીન અને મેલેરિયા વર્કર માટેની દરખાસ્તો ના મંજૂર કરવામાં આવી |
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈપણ કામની પ્રાયોરીટી અને ટેન્ડર મંજૂરી માટેની પોલીસી નિશ્ચિત નથી. મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકો તેમની મરજી મુજબ નિયમોના અમલ કરી રહયા છે. જેના માઠા પરિણામ માત્ર નાગરીકોએ જ ભોગવવાના રહે છ. ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. અને મચ્છરજન્ય રોગચાળો વકરી શકે છે. તે બાબત સર્વવિધિત છે. તેમ છતાં મ્યુનિ.શાસકો એ અગમ્ય કારણોસર કોલ્ડ ફોગીંગ મશીન, આઈ.આર. સ્પ્રે અને મેલેરિયા વર્કર ના કામ પર નિર્ણય કર્યા નથી. જેની સીધી અસર રોગચાળા પર થઈ શકે છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન મચ્છરોની ઉત્પત્તિ અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આઈ.આર.એસ. ની કામગીરી કરવામાં આવે છે. સદ્દર કામગીરી ચાલી અને શ્રમજીવી વિસ્તારોમાં થાય છે. જેના પરિણામે મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં રહી શકે છે. એક અંદાજ મુજબ દર વરસે આઠ લાખ મિલ્કતોમાં આઈ.આર. સ્પ્રેનો કોન્ટ્રાકટર આપવામાં આવે છે. જેના માટે નિયમ મુજબ ટેન્ડર કાર્યવાહી પણ થાય છે.
ચાલુ વર્ષે પણ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ મિલ્કતોની સંખ્યા ઘટાડીને માત્ર બે લાખ કરવામાં આવી છે. મ્યુનિ. શાસકોએ કયા કારણોસર મિલ્કતો ઘટાડવા સુચના આપી હતી તેના કોઈ જ નકકર કારણો નથી. તેમ છતાં તેમની સુચના મુજબ માત્ર બે લાખ મિલ્કતોમાં આઈ.આર.સ્પ્રેનો કોન્ટ્રાકટ આપવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સાત થી આઠ પાર્ટીઓએ ભાગ લીધો હતો.
તથા ઓછા ભાવ ભરનાર કોન્ટ્રાકટરોને ઝોન દીઠ કામ આપવામાં આવ્યા છે. પરંતુ મ્યુનિ. હેલ્થ કમીટી દ્વારા સદ્દર દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. જેના માટે ભાવ વધુ હોવાના કારણો આપવામાં આવ્યા છે. પરંતુ કોન્ટ્રાકટરોએ મિલ્કતદીઠ રૂ.૩ણ્ના ભાવ ભર્યા છે. જેની સામે કમીટીએ રૂ.રર ના ભાવ આપવાની નોધ કરી છે.
મ્યુનિ. કોર્પોરેશનને ફાયદો થતો હોવાથી સામાન્ય સંજાગોમાં સદ્દર નિર્ણયને આવકાર્ય માની શકાય તેમ છે. પરંતુ ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. રોગચાળો વકરી શકે તેમ છે તે બાબત શાસકો સમજતા હોવા છતાં દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી છે. મ્યુનિ. આરોગ્યખાતા દ્વારા કોલ્ડ ફોગીંગ મશીનની ખરીદી માટે પણ નિયમ મુજબ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.
કોલ્ડ ફોગીંગ મશીન ધુમાડો કરતા નથી તથા તેના પરીણામ સારા હોવાથી મ્યુનિ. કમીશ્નરની સુચના બાદ કોલ્ડ ફોગીંગ મશીનની ખરીદી કરવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. તથા ઓછા ભાવ આપનાર પાર્ટી પાસેથી મશીન ખરીદવા માટે કમીટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેને પણ મંજૂર કરવામાંઆવી નથી.તેથી ચોમાસાની સીઝન દરમ્યાન “મચ્છરો ભગાવવા” માટે નાગરીકોને ફોગીગનો લાભ મળશે કે કેમ ?
તે ચર્ચાનો વિષય છે. ચોમાસાની સીઝનમાં મચ્છરોની ઉત્પત્તિ તથા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે ઘરે-ઘરે ફરીને કામ કરવા માટે મેલેરિયા વર્કરોને હંગામી ધોરણે લેવા માટે પણ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેને હેલ્થ કમીટીએ મંજૂરી પણ આપી હતી પરંતુ સ્ટેન્ડીંગ કમીટીએ હજી સુધી મંજૂરી આપી નથી. મેલેરિયા વર્કર કેટલા કલાક કામ કરશે અને તેમને કેટલા રૂપિયા ચુકવવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી મંજૂરી આપવામાં આવી ન હોવાના કારણે આપવામાં આવ્યા છે.!
મ્યુનિ. કોર્પોરેશનના જાણકાર સુત્રોનું માનીએ તો ઉચ્ચ અધિકારીઓ અને સત્તાધારી પાર્ટીને લાભ થતા હોય તેવા ટેન્ડરમાં સીંગલ પાર્ટી, ઉચા ભાવ કે કોન્ટ્રાકટરોની સીડીકેટ જેવી કોઈ જ બાબત તરફ ધ્યાન આપવામાં આવતા નથી. ડોર ટુ ડોરમાં સીડીકેટવાળા કોન્ટ્રાકટરો ને જ બમણા ભાવ આપવામાં આવ્યા છે. તેવી જ રીતે કરોડો રૂપિયા ના કામ હોય તો સીંગલ ટેન્ડર પણ “જરૂરી કામ છે” જેવા કારણો આપી ને મંજૂર કરવામાં આવે છે.
મેન પાવર આઉટ-સોબીગ માટે પણ કદાચ પ્રથમ વખત સ્પષ્ટતા માંગવામાં આવી છે. જે કામો મંજૂર કરવામાં આવ્યા નથી તે બાબત કામ પ્રજાની આરોગ્ય સુખાકારી માટેના જેમાં બીલ ની રકમ ઓછી થતી હોવાથી “વહીવટ” પણ ઓછો થાય તેમ છે. ઈજનેર ખાતા દ્વારા બ્રીજ કે રોડ માટે અંદાજ કરતા ઉંચા ભાવથી કે સીંગલ ટેન્ડરથી કામ આપવામાં આવે છે. તેમ છતાં આંખો બંધ કરીને મંજૂર થાય છે. ચોમાસાની સીઝન દરમ્યાન અંડરપાસમાંથી પાણીનો નિકાલ કરવા માટે સીંગલ ટેન્ડર થી કામ આપવામાં આવ્યું છે. જેના માટે વિપક્ષે વિરોધ નોધાવ્યો ત્યારે “જરૂરી હોવાના” કારણો આપવામાં આવ્યા હતા. પરંતુ મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા કે પ્રજાની આરોગ્ય સુખાકારી માટેના કામને મ્યુનિ.શાસકો બિનજરૂરી માની રહયા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.