મ્યુનિ.અધિકારીઓને ડમ્પ સાઈટના નિકાલમાં ઓછો અને કંપનીઓને બચાવવામાં વધુ રસ
ટ્રો-મીલ મશીનનો ધંધો સરવાળે મોંઘો પડી રહયો હોવાની ચર્ચા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ શિરદર્દ સમાન બની ગઈ છે. પીરાણા સાઈટ ના નિકાલ માટે વારંવાર જાહેરાતો થાય છે. પરંતુ તમામ જાહેરાતો ભ્રામક સાબિત થઈ રહી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની આકરી ટીકા બાદ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી હરકતમાં આવ્યા છે. તથા કચરા નિકાલ માટે કામ શરૂ કર્યું છે. પરંતુ જે પધ્ધતિથી કામ થઈ રહયું છે તે જાતા ડમ્પીંગ સાઈટનો નિકાલ થાય તેવી શકયતા નહીવત છે. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓને ડમ્પીંગ સાઈટનો નિકાલ કરવા કરતા કચરો પ્રોસેસ કરનાર કંપનીઓને બચાવવામાં વધુ રસ હોય તેમ માનવામાં આવી રહ્યું છે.
શહેરમાં દૈનિક ધોરણે અંદાજે ૩પ૦૦ મે.ટન કચરો એકત્રીત થાય છે. જેને છેલ્લા ત્રણ દાયકાથી પીરાણા ખાતે ઠાલવવામાં આવી રહયો છે. જેના પરીણામે આ વિસ્તારમાં કચરાનો ડુંગર બની ગયો છે. મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકો દ્વારા ઘણા વર્ષોથી પીરાણા ડમ્પીંગ સાઈટનો નિકાલ કરવા માટે જાહેરાતો થઈ રહી છે. પરંતુ તમામ જાહેરાત ખોટી સાબિત થઈ છે.
છેલ્લા ૦૬ મહીનાથી પીરાણા સાઈટ ખાતે ટ્રો-મીલ મશીન લગાવી માત્ર બે વર્ષમાં જ કચરાનો ડુંગર દુર કરવાના દાવા કમીશ્નર દ્વારા પણ કરવામાં આવ્યા છે. મ્યુનિ. કમીશ્નરના સદ્દર દાવા પોકળ સાબિત થશે કે કેમ ? તે ભાવિના ગર્ભમાં છે.
પરંતુ મનપાની તિજારી પર ભારણ વધી રહયું છે તે નિશ્ચિત બાબત છે. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગે પ્રતિમાસ સાત લાખ રૂપિયા ના ભાડાથી પીરાણા ડમ્પ સાઈટ પર ટ્રો-મીલ મશીન લગાવ્યા છે. હાલ છ મશીન કાર્યરત છે. તેથી દર મહીને રૂ.૪ર લાખ ભાડા પેટે ચુકવવામાં આવે છે. નોધનીય બાબત એ છે કે “વહીવટી કુશળ” અધિકારીએ રૂ.સાત લાખમાં જુના મશીન લગાવ્યા છે.
તેમજ તેના લાઈટબીલનું ભારણ પણ મનપાની તિજારી પર આવે તે મુજબની શરતો રાખી છે. સોલીડ વેસ્ટ ખાતાના અધિકારીએ જે જુના મશીનો મુકયા છે. તેમાં દૈનિક ૩૦૦ મે.ટન કચરા નો નિકાલ થાય છે.
ડમ્પીંગ સાઈટના કચરાને મશીનમાં નાંખવામાં આવે છે. જેમાંથી ડેબરીઝ, પ્લાસ્ટીક તથા અન્ય પ્રકારના કચરા અલગ થતા હોવાની ચર્ચા “ચતુર” અધિકારી કરી રહયા છે.
પરંતુ છુટો પાડવામાં આવેલ કચરાનો નિકાલ કયાં અને કેવી રીતે થાય છે. તે બાબત અધ્યાહાર છે. ઉચ્ચ અધિકારીઓ કચરાના નિકાલ માટે અલગ-અલગ જવાબો આપી રહયા છે. દૈનિક ૧૮૦૦ મે.ટન કચરો પ્રોસેસ થતો હોય તો તેના નિકાલ માટે કોઈ કંપની સાથે કરાર કરવામાં આવ્યા હોય તેવી વિગતો હજી સુધી જાહેર થઈ નથી.
મ્યુનિ. કમીશ્નરે શાસકપાર્ટીની મંજૂરી વિના જ મશીનો લગાવ્યા હતા ત્યારબાદ વિરોધ થતા સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ ટ્રો-મીલ મશીન માટે દરખાસ્ત રજુ થઈ હતી પરંતુ સેગરીગ્રેશન થયા બાદ તેના વેચાણ કે નિકાલ માટે શાસકોની મંજૂરી લેવામાં આવી નથી.
મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક સુત્રોનું માનીએ તો પીરાણા ખાતે જે ટ્રો-મીલ મશીન મુકવામાં આવ્યા છે. તે પ્રકારના મશીન કચરો પ્રોસેસ કરનાર તમામ કંપનીઓ પાસે હોય છે. ચુંટણી સમયે જે મશીન મુકીને માઈલેજ લેવા પ્રયાસ થયા હતા.
તે મશીન “એકસેસ ઈન્ડ.”ના કરાર ર૦૧૪થી રીન્યુ થયા ન હતા તથા શરત મુજબ પ્રોસેસ કરવા માટે કચરો લેવામાં આવતો ન હતો.
તેથી સ્વ-બચાવ માટે એકસલ ઈન્ડ.નું મશીન પીરાણા ખાતે મુકવામાં આવ્યું હતું. તથા હાલ જે મશીનો કાર્યરત છે તે મશીનો પણ અન્ય કંપનીઓ પાસેથી જ લેવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશને જે કંપનીઓ સાથે કચરો પ્રોસેસ કરવા કરાર કર્યા છે તે કંપનીઓ શરત મુજબ કામ કરતી નથી તેમ છતાં તેમને છાવરવામાં આવી રહી છે.
આ મામલે વીજીલન્સ તપાસની પણ માંગણી થઈ રહી છે. કચરો પ્રોસેસ કરનાર કંપનીઓને બચાવવા માટે ખાતાના અધિકારીઓ પ્રયાસ કરી રહયા છે તથા જે ટ્રો-મીલ મશીનો દ્વારા કંપનીઓ દ્વારા પ્રોસેસ કરવાની હતી તે પ્રકારના મશીનો ભાડે લઈને પીરાણા ખાતે કચરો પ્રોસેસ થઈ રહયો છે તેવી ચર્ચાએ પણ વેગ પકડયો છે.