Western Times News

Gujarati News

મ્યુનિ.આસિસ્ટ.કમિશ્નરની જગ્યા માટે રૂ.પ૦ લાખ સુધીના ભાવ ફિક્સ થયા હોવાના આક્ષેપ

File

મ્યુનિસિપલ બોર્ડમાં ભરતી મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર : આરોગ્ય ખાતાના અધિકારીઓને માત્ર દંડ વસુલાતમાં જ રસઃ સોલીડ વેસ્ટના અધિકારીઓ ફિલ્ડમાં ફરતા નથીઃકોંગ્રેસ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતાના અધિકારીઓ પ્રજાના આરોગ્યની સુખાકારી માટે કામ કરવાના બદલે નાગરીકો પર આર્થિક અત્યાચાર કરી રહ્યા છે. જેના પરિણામે રોગચાળો વકરી રહ્યો છે. જ્યારે સોલીડ વેસ્ટ ખાતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરોને કોઈપણ પ્રકારનું ટેકનિકલ જ્ઞાન નથી. તેમ છતાં અખાદ્ય વસ્તુઓના લાયસન્સ આપવાની સતા આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા સમયથી ભરતીના નામે કૌભાંડ ચાલી રહ્યા છે. તથા થોડા સમયમાં જ ભરતી થનાર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની જગ્યા માટે રૂ.રપ લાખ ના ભાવ ફિક્સ થયા હોવાના સીધા આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાનય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્માએ ભરતી પ્રક્રિયામાં ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યુ હતુ કે ભરતીમાં પારદર્શિતાના નામે મોટા વહીવટ થઈ રહ્યા છે. દેશમાં એક માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ ભરતી માટેની પરીક્ષાના પરિણામ ઉમેદવારને જ આપવામાં આવતા નથી.

મ્યુનિસિપલ શાસકો તથા વહીવટી તંત્ર દ્વારા અગાઉથી નિશ્ચિત કરવામાં આવેલ ઉમેદવારોને બારોબાર ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે. સામાન્ય રીતે જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેના પરિણામ સાર્વજનિક કરવામાં આવ્યા બાદ મેરીટના આધારે જ મૌખિક ઈન્ટરવ્યુ માટે ઉમેદવારને બોલાવવામાં આવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી પ્રક્રિયાના કોઈપણ નિયમનો અમલ થતો નથી! આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નની પરીક્ષામાં પણ માનીતા ઉમેદવારો માટે નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તથા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની પોસ્ટ માટે રૂ.રપ થી રૂ.પ૦ લાખ સુધીના ભાવ ફિક્સ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભરતી માટે જે લાયકાતો નક્કી કરી છે. તે પણ હાસ્યાસ્પદ છે. દેશમાં કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આઈએએલ માટે પરીક્ષા આપી શકે છે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક માટે પણ સેકન્ડ ક્લાસ સ્નાતકની ડીગ્રી ફરજીયાત છે

તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. મ્યુનિસિપલ કોગ્રેસ પક્ષના પૂર્વ નેતા બદરૂદ્દીન શેખે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની પરીક્ષામાં થયેલ ગેરરીતિ પર પ્રકાશ પાડતા જણાવ્યુ હતુ કે સદ્દર પરીક્ષામાં ઉમેદવારોને કેલ્ક્યુલેટર ન લઈ જવા માટે સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

પરંતુ જ્યારે પરીક્ષા શરૂ થઈ તે સમયે અગાઉથી જ નિશ્ચિત કરવામા ઉમેદવારો કેલ્કયુલેટર લઈને આવ્યા હતા. મ્યુનિસિપલ શાસકો અને કમિશ્નરે દસ જેટલા ઉમેદવારોને અગાઉથી જ પસંદ કર્યા છે. તથા તેમની કોઈપણ સંજાગોમાં ભરતી કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.

શહેરમાં ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાનો રોગચાળો આતંક મચાવી રહ્યો છે. જેના માટે મ્યુનિસિપલ કમિશ્નર અને આરોગ્ય અધિકારી જવાબદાર છે એવા આક્ષેપ કરતા વિપક્ષો નેતા દિનેશ શર્માએ જણાવ્યુ હતુ કે સેનેટરી ઈન્સ્પેક્ટર કક્ષાના અધિકારીને આરોગ્ય લક્ષી કામગીરી સોંપવાના બદલે ‘જેટ’માં દંડ વસુલાત કરવા માટે મોકલવામાં આવી રહ્યા છે.

મ્યુનિસિપલ કમિશ્નરે ભરતી કરેલા વોલિયેન્ટર્સ પણ ‘રીકવરી એજન્ટ’ ની માફક કામ કરે છે. મેલેરીયા વોલિયેન્ટર્સને દૈનિક પ૦ ઘરનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તે હિસાબે ગણતરી કરવામં આવે તો ડોર ટુ ડોર સર્વેનો બીજા રાઉન્ડ પણ પૂર્ણ થવા આવ્યો છે.

તેમ છતાં મચ્છરો અને રોગચાળો નિયંત્રણમાં આવ્યા નથી. નિયમ મુજબ દસ હજારની વસ્તીએ એક એમપીડબલ્યુએસ જરૂરી છે. જેની સામે હાલ ૩૦ થી ૪૦ હજારની વસ્તીએ એક કર્મચારી કામ કરી રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ પણ કમિશ્નરની મનસ્વી નીતિની ઝાટકણી કાઢતા જણાવ્યુ હતુ કે કમિશ્નરે ખાદ્ય અને અખાદ્ય લાયસન્સ માટેની સતા વહેંચણી કરી છે. અખાદ્ય લાયસન્સની સતા સોલીડ વેસ્ટ વિભાગને આપી છે.

જેમાં કોઈ ટેકનિકલ અધિકારી નથી. તદુપરાંત વર્ગ-ર ના અધિકારી વહીવટી મામલે નિર્ણય લઈ શકતા નથી. હેલ્થ લાયસન્સની તમામ સતા ડેપ્યુટી હેલ્થગ ઓફિસરોને જ સોંપવી જાઈએ. સોલીડ વેસ્ટ ખાતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિલ્ડમાં ફરતા નથી જેના પરિણામે પારાવાર ગંદકી જાવા મળે છે. શહેરમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી રહી છે. પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા ઘટાડવા માટે અસરકારક કામગીરી કરવાના બદલે સેમ્પલની સંખ્યામાં જ ઘટાડો કરવામાં આવ્યા છે જે સ્માર્ટ સીટીના શાસકો અને વહીવટી તંત્ર માટે અત્યંત શરમજનક બાબત છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.