મ્યુનિ. ઈજનેર અધિકારીઓની કારકીર્દી ખતમ કરવાનું ષડયંત્ર
કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ ભરતી-બઢતી મામલે ગેરરીતિ કરી રહયા હોવાની ચર્ચા
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનમાં મ્યુનિ. કમિશ્નર ને જ સર્વેસવા માનવામાં આવે છે. મ્યુનિ. વહીવટીતંત્રના વડા દ્વારા ભરતી, બદલી કે બઢતી અંગેના લેવામાં આવેલા નિર્ણયને અંતિમ માનવામાં આવે છે મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને અન્યાય ન થાય તે રીતે ભરતી, બદલી કે બઢતીની પ્રક્રિયા થાય તેની તકેદારી રાખવાની જવાબદારી પણ કમિશ્નરના શિરે હોય છે. પરંતુ ચોંકાવનારી માહિતી મુજબ મ્યુનિ. કમિશ્નરની કચેરીમાં અંગત મદદનીશ તથા ટેકનીકલ મદદનીશ તરીકે ફરજ બજાવતા કર્મચારીને સીનીયોરીટીના ધોરણે પ્રમોશન મળે તેમ ન હોવાથી ભરતી પ્રક્રિયા દ્વારા ઉચ્ચ હોદ્દો આપવા માટેનો તખ્તો તૈયાર થઈ ચુકયો છે. જેના માટે એડીશનલ ઈજનેર કક્ષાના અધિકારીનો ભોગ લેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. કોર્પોરેશનમાં બઢતી મેળવવા માટે રાજકીય કે અધિકારી લોબીનું પીઠબળ હોવું જરૂરી છે. મ્યુનિ. કમિશ્નર કચેરીમાં ટેકનીકલ આસી તરીકે ફરજ બજાવતા વિશાલ નાયક નામના કર્મચારીને પણ યોગ્ય અનુભવ વિના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થવાના અભરખા થયા હતા પૂર્વ કમિશ્નરના કાર્યકાળ દરમ્યાન તેમના આ અભરખા પૂર્ણ થઈ શક્યા ન હતા તેથી કમિશ્નરની બદલી થતા જ હ્ય્દયના ખુણામાં દબાવીને બેઠેલા અભરખા ફરી જાગૃત થયા છે સુત્રોનું માનીએ તો વર્તમાન કમિશ્નરના તેઓ માનીતા છે તેથી વિશાલ નાયક માટે ઉચ્ચ હોદ્દો મેળવવો આસાન બની શકે છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
પરંતુ સૌથી મોટો પ્રશ્ન તેમને ઉચ્ચ હોદ્દો આપવો કેવી રીતે ? સીનીયોરીટીમાં તેઓ ઘણા પાછળ છે તેથી કોઈ એડીશનલ ઈજનેરની જગ્યા ખાલી પડે અને ભરતી પ્રક્રિયા થાય તો જ બહારની ભરતીથી ઉચ્ચ હોદ્દો આપી શકાય તેમ હતો. આ પ્રક્રિયા ઘણી અટપટી અને કઠીન હતી. પરંતુ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા અંગત મદદનીશો માટે આ કામ સાવ સરળ હતું.
મ્યુનિ. ભવનમાં થઈ રહેલી ચર્ચા મુજબ લાઈટખાતાના એડીશનલ ઈજનેરે ર૦ દિવસ પહેલા જ સ્વૈચ્છિક નિવૃતિ લીધી છે જેના માટે તેમની ખરાબ તબિયતના કારણો આપવામાં આવે છે પરંતુ આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ લાઈટખાતાના એડીશનલને રાજીનામુ આપવા માટે ફરજ પાડવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી તેમના દ્વારા સબમીટ કરવામાં આવતી ફાઈલોમાં યેનકેન પ્રકારે વાધા કાઢવામાં આવતા હતા તેમજ તેમની ફાઈલો કમિશ્નર સુધી મોકલવામાં આવતી ન હતી.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
કેટલાક કિસ્સામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના વાંધા કાઢી તેમને દબાણમાં લાવવા પ્રયાસ થયા હતા. મ્યુનિ. કમિશ્નરના અંગત મદદનીશો દ્વારા યેનકેન પ્રકારે થતી પરેશાનીના કારણે લાઈટખાતાના એડીશનલ ઈજનેરે રાજીનામુ આપ્યુ હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. એડીશનલ અધિકારીના રાજીનામાના પગલે વિશાલ નાયક માટે ભરતી દ્વારા પ્રમોશનનો રસ્તો ખુલી ગયો છે તથા રાજીનામાના માત્ર ર૦ દિવસમાં જ નવી ભરતી માટે જાહેરાત પણ પ્રસિધ્ધ થઈ ચુકી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ડે. ઈજનેર તરીકે ફરજ બજાવતા પાંચ જેટલા અધિકારી એડીશનલ તરીકે પ્રમોશન મેળવવા લાયક જાહેર થઈ ચુકયા છે. તેમ છતાં તેમને પ્રમોશન આપવામાં આવતા નથી તેમજ સાત પૈકી પાંચ ઝોનમાં એડીશનલ ઈજનેરની જગ્યા પર ઈન્ચાર્જ તરીકે ડે. ઈજનેરોની નિમણૂંક થઈ છે.
અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કમિશ્નર ઓફીસમાં ફરજ બજાવતા અન્ય એક અંગત મદદનીશ કે જેઓ ડે. ઈજનેર છે તેમણે પણ એક વર્ષ પહેલા એક સાથે ડઝન જેટલા ઉચ્ચ અધિકારીઓના કોન્ફીડેન્શીયલ રીપોર્ટ ખરાબ થાય તેવા કૃત્ય કર્યા હતા. મનપા ના એડીશનલ ઈજનેરો સામે ચાર્જશીટ રજુ કરી તપાસ શરૂ થઈ છે. જેના કારણે સીટી ઈજનેરની ખાલી પડનાર જગ્યા માટે તકલીફ થઈ શકે છે. આ મહાશયે એડીશનલ ઈજનેરોના સી.આર. ખરાબ કરી તેમના પ્રમોશન પર બ્રેક લગાવી છે. મ્યુનિ. કમિશ્નર કચેરીમાં માત્ર ઈજનેર વિભાગના અધિકારીઓની કારકીર્દી ખરાબ થાય તે માટેની પ્રવૃતિ થોડા કેટલાક સમયથી થઈ રહી છે. આ તમામ બાબતોથી મ્યુનિ. કમિશ્નર વાકેફ હશે તેમ માની શકાય નહિ. મ્યુનિ. કમિશ્નર તેમના પી.એ. દ્વારા રજુ કરવામાં આવતા રીપોર્ટ પર ભરોસો રાખીને સહી કરતા હોય છે. જેનો દુરુપયોગ કેટલી અને કેવી હદ સુધી થઈ રહયો છે તે એડીશનલ ઈજનેરના રાજીનામા, એડી. ઈજનેરો સામેની તપાસ તથા ખાલી પડેલી જગ્યા ભરતીથી ભરવા માટે થઈ રહેલી ઉતાવળથી સાબિત થાય છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.