મ્યુનિ.ઈજનેર વિભાગમાં મોટાપાયે બદલી: રોડ પ્રોજેક્ટ વિભાગમાં હિતેશ કોન્ટ્રાક્ટરને અગમ્ય કારણોસર જાળવી રાખ્યા
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કમિશ્નરે વધુ એક વખત બદલીનો ગંજીફો ચીપ્યો છે. મ્યુનિ.ઈજનેર વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. જેમાં ડેપ્યુટી કક્ષાનાં ત્રણ ઈજનેરોને એડીશ્નલ ઈજનેરના ચાર્જ આપીને તથા હિતેશ કોન્ટ્રાક્ટરને રોડ પ્રોજેક્ટમાં સતત જાળવી રાખીને સહુને ચોંકાવ્યા છે.
મ્યુનિ.કોર્પાેરેશનમાં એડીશ્નલ ઈજનેર કક્ષાના અધિકારીઓને ઝોન તથા વિભાગમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યાં છે. પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતાં ઈન્ચાર્જ એડી.અશોક સકસેનાને મધ્ય ઝોનમાં એડી.સિટી ઈજનેરનો ચાર્જ આપવામાં આવ્યો છે. સાથે સાથે હેરીટેજ વિભાગની વધારાની કામગીરી પણ સોંપવામાં આવી છે. મધ્ય ઝોનનાં એડી.અમિતભાઈ પટેલની બદલી દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કરવામાં આવી છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનના એડી.ઋષિભાઈ પંડ્યાની બદલી પશ્ચિમ ઝોનમાં કરવામાં આવી છે. ઉત્તર ઝોનનાં એડી.ઈજનેર હરપાલસિંહ ઝાલાને કોઈપણ ઝોન સોંપવામાં આવ્યો નથી. તેમને વોટર પ્રોજેક્ટ વિભાગની કામગીરી આપવામાં આવી છે. તદુપરાંત હાઉસીંગ પ્રોજેક્ટની કામગીરી તેમની પાસે યથાવત રાખવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બદલી દક્ષિણ ઝોનનાં એડી.એચ.ટી.મહેતાની છે. તેમને એ.એમ.સી.મેટ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો હવાલો આપવામાં આવ્યો છે. તથા કોઈપણ ઝોન ફાળવવામાં આવ્યો નથી.
દક્ષિણ-પશ્ચિમ ઝોનનાં એડી. દિનેશ બરંડા પાસેથી ઝોનની કામગીરી લઈ લેવામાં આવી છે તથા તેમને માત્ર ટ્રાફિકનો ચાર્જ આપવામાં આવ્યો છે. મ્યુનિ.કમિશ્નરે ત્રણ ઝોનમાં ડેપ્યુટી સીટી ઈજનેર કક્ષાના અધિકારીઓને એડી.ના ચાર્જ સોંપ્યા છે. ડેપ્યુટી ઈજનેર પરેશ શાહને દક્ષિણ ઝોનનો જ ચાર્જ રતનજી કરેણને ઉત્તર-પશ્ચિમ ઝોન તથા વિજય પટેલને ઉત્તર ઝોનના એડી. તરીકેના ચાર્જ સોંપવામાં આવ્યાં છે. ચાલુ વર્ષે રોડ, પાણી અને ડ્રેનેજની વ્યાપક ફરીયાદોનાં પગલે ઈજનેર વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા હોય તેમ માનવામાં આવ્યાં છે. ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી મોટાપાયે રોડ તૂટી રહ્યાં છે. તથા તંત્રને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં એડી. ઈજનેર હિતેશ કોન્ટ્રાક્ટરને વધુ એક વખત રોડ પ્રોજેક્ટ વિભાગનાં સીટી ઈજનેર તરીકેનો ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે.
હિતેશ કોન્ટ્રાક્ટર છેલ્લાં ૭-૮ વર્ષથી રોડ પ્રોજેક્ટ વિભાગનાં સીટી ઈજનેર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યાં છે. ચોમાસામાં મોટાપાયે રોડ ધોવાણ બાદ ડેપ્યુટી અને એડી. કક્ષાનાં અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે. પરંતુ રોડ પ્રોજેક્ટના મુખ્ય અધિકારી હિતેશ કોન્ટ્રાક્ટર સામે આજદિન સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી તથા તેમની બદલી પણ થતી નથી. ૨૦૧૭ની સાલમાં વર્તમાન સિટી ઈજનેર નરેન્દ્ર મોદીનાં ઝોનમાં સૌથી વધુ રોડ તૂટ્યા હતા તથા તેમને સૌથી વધારે નોટીસો પણ આપવામાં આવી હતી. તેમ છતાં અગમ્ય કારણો કે દબાણસર તેમની સીટી ઈજનેર તરીકે ભરતી કરવામાં આવી છે. જે બાબત ઘણાં સમયથી ચર્ચાનો વિષય બની છે. સીટી ઈજનેર તરીકે પ્રમોશન મળ્યાં બાદ પણ ડ્રેનેજ વિભાગમાં તેમની કામગીરી અત્યંત નબળી રહી છે. તેથી તેમણે બચાવવા માટે એડી. ઈજનેરો તથા ડેપ્યુટી ઈજનેરો સામે અવારનવાર કાર્યવાહી થતી રહેતી હોવાની ચર્ચા મ્યુનિ.ભવનમાં થઈ રહી છે.