Western Times News

Gujarati News

મ્યુનિ.એસ્ટેટ વિભાગે એક વર્ષમાં માત્ર ૧૧૭ ગેરકાયદેસર બાંધકામો તોડ્યા

ગરીબ-શ્રમજીવી વર્ગની રોજી રોટી પર તરાપ મારતા ૧૩૧૧ લારી-ગલ્લા દૂર કર્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના શાસકો અને વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવતા નિયમો માત્ર ગરીબ અને મધ્યમવર્ગીય નાગરીકો માટે છે જ્યારે મોટા માથાઓ સામે નિયમોના કોઈ જ અમલ થતા નથી. શહેરમાં કોરોનાકાળ દરમ્યાન આ બાબત અનેક વખત બહાર આવી છે. સ્માર્ટસીટીમાં બેરોકટોક અનઅધિકૃત બાંધકામો થાય છે એક અંદાજ મુજબ દર વર્ષે ૫૦ હજાર જેટલા નાના-મોટા ગેરકાયદે બાંધકામ થતા રહે છે. જેની સામે મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા એક વર્ષમાં માત્ર ૩૪૦ જેટલા બાંધકામોને જ દૂર કરવામાં આવ્યા છે. જેની સામે ગરીબ-શ્રમજીવી વર્ગના નાગરીકોના ૧૩૦૦ કરતા વધુ લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. જ્યારે ૧૩ હજાર કરતા વધુ પરચુરણ માલ સામાન દૂર કરવામાં આવ્યો છે. તંત્રની આ હરકતને કેટલાક લોકો “નબળો ઘણી બૈરી પર શૂરો” કહેવત સાથે પણ સરખાવી રહ્યા છે.
શહેરમાં બરોકટોક અનઅધિકૃત બાંધકામો થઈ રહ્યા છે.

શહેરના તમામ વોર્ડ અને ઝોનમાં મોટી સંખ્યામાં મંજૂરી વિનાના બાંધકામો ચાલી રહ્યા છે. આ પ્રકારના બાંધકામો સામે ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર દ્વારા આંખ આડા કાન થતા રહ્યા છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના આંકડા તેની સાબિતી માટે પૂરતા છે. મ્યુનિ.કોર્પાેરેશનના સૂત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ.એસ્ટેટ વિભાગે ૧ ઓગસ્ટ ૨૦૨૦થી ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધી માત્ર ૧૧૭ ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા છે. જેમા ઉત્તરઝોનમાં ૩૩, દક્ષિણ ઝોનમાં ૨૬, પૂર્વ ઝોનમાં ૧૮, મધ્ય ઝોનમાં ૦૩, પશ્ચિમ ઝોનમાં ૦૧, ઉ.પ.ઝોનમાં ૦૨ અને દ.પ.ઝોનમાં ૩૪ ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા તોડવામાં આવેલા અનઅધિકૃત બાંધકામોનું કુલ ક્ષેત્રફળ ૨૮૧૨૬ ચો.મી. છે. સરેરાશ એક બાંધકામનું ક્ષેત્રફળ ૨૪૦ ચોરસ મીટર થાય છે. મતલબ કે તંત્ર દ્વારા ઓટલા, દિવાલો કે ગરીબોની નાની ઓરડીઓ પર જ હથોડા ચલાવવામાં આવ્યાં છે. જ્યારે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ મોટા બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેની સામે ગરીબ-શ્રમજીવી વર્ગની રોજી-રોટી છીનવાય તેવી કામગીરી કરી અધિકારીઓ છાતી ફુલાવી રહ્યા છે.

મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ ૨૦૨૦થી ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધી ૧૩૧૧ લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં મહેનત કરી ગુજરાન ચલાવનાર શ્રમજીવી વર્ગની રોજી રોટી છીનવામાં આવી છે. જેમાં દ.પ.ઝોન મોખરે છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૯૧ લારી-ગલ્લા દૂર થયા છે. જ્યારે ઉત્તર ઝોનમાં ૨૮૭, દક્ષિણ ઝોનમાં ૧૫૬, પૂર્વ ઝોનમાં ૬૩, મધ્ય ઝોનમાં ૮૭, પશ્ચિમ ઝોનમાં ૧૪૯ તથા ઉ.પ.ઝોનમાં ૧૭૮ શ્રમજીવીઓના રોજી-રોટી છીનવવામાં આવ્યા છે. મ્યુનિ.એસ્ટેટ ખાતાના અધિકારીઓ ભૂ-માફીયાઓ માટે લાલ ધજા પાથરી રહ્યા છે જ્યારે પરચૂરણ માલ સામાનમાં જેની ગણતરી થાય છે તેવા ૧૩૪૭૦ સામાન દૂર કરી “સ્વ-શાબાશી” આપી રહ્યા છે. જ્યારે ૨૦૫ સ્થળેથી ગેરકાયદે પાર્ક થયેલા વાહનો પણ ઉપાડવામાં આવ્યા છે. જેમાં ઉત્તરઝોનમાંથી ૧૧, દક્ષિણ ઝોન ૦૨, પૂર્વ ઝોનમાં ૦૮, મધ્ય ઝોનમાં શૂન્ય, પશ્ચિમ ઝોનમાં ૧૮, દ.પ.ઝોનમાં ૧૬૫ અને ઉ.પ.ઝોનમાંથી ૦૪ વાહન ઉપાડવામાં આવ્યા છે.

મ્યુનિ.કોર્પાેરેશનના રીઝર્વ પ્લોટો પર દબાણ થવા સામાન્ય બાબત છે. તેવી જ રીતે સમયસર ટી.પી.સ્કીમો મંજૂર ન થવી કે રીડીપીનો અમલ ન થવાના કારણે જાહેર માર્ગ ઉપર દબાણ થઈ જાય છે. મ્યુનિ.એસ્ટેટ ખાતાએ ૩૧ જુલાઈ ૨૦૨૧એ પૂર્ણ થતા વર્ષ સુધી ૧૨૧૦ સ્થળેથી આ પ્રકારના દબાણ દૂર કરી ૯૦૯૬૮ ચો.મી.જમીન ખુલ્લી કરી છે. જેમાં ઉત્તર ઝોનમાં ૮૧૫, દક્ષિણ ઝોનમાં ૨૦૧, પૂર્વ ઝોનમાં ૪૧, મધ્ય ઝોનમાં શૂન્ય, પશ્ચિમ ઝોનમાં ૭૪, દ.પ.ઝોનમાં ૨૧ અને ઉ.પ.ઝોનમાં ૫૮ અમલ કરવામાં આવ્યા છે.રીઝર્વ પ્લોટ અને ટી.પી.-રી.ડી.પી. પર દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ ઉત્તર ઝોનમાં ૨૫૯૩૮, દક્ષિણ ઝોનમાં ૨૧૮૫૦ ચો.મી.જમીન ખુલ્લી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.