મ્યુનિ. કમિશ્નરની માનીતી કંપનીને રૂ.૧રપ કરોડનો કોન્ટ્રાકટ મળ્યો
ભાજપ માર્ગદર્શક મંડળની અનિચ્છા છતાં સીટેલુમ કંપની ને જ કોન્ટ્રાકટ આપવામાં કમીશ્નર સફળ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મહાનગર સેવા સદનમાં કમીશનરનું ધાર્યું જ થાય છે તે બાબત વધુ એક વખત સાબિત થઈ છે. ભાજપ મોવડી મંડળ તથા સબ-કમીટી દ્વારા પરત મોકલવામાં આવેલ સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ કોન્ટ્રાકટ માનીતી કંપનીને અપાવવામાં કમીશ્નર સફળ રહયા છે. ચોકાવનારી બાબત એ છે કે જે કંપની ને કમીશ્નરે કોન્ટ્રાકટ અપાવ્યો છે. તેની સામે વિજીલન્સ તપાસ પણ તેમણે જ શરૂ કરાવી છે.
જેનો રીપોર્ટ હજી સુધી આવ્યો નથી. જયારે વટવા જીઆઈડીસી વિસ્તારમાં મ્યુનિ. શાસકો અને ઈજનેર અધિકારીઓએ ભકિતપથની ફૂટપાથની પહોળાઈ ઓછી કરવા માટે રૂ.ત્રણ કરોડન ખર્ચ કર્યો છે.!
શહેરની સ્ટ્રીટલાઈટોની જાળવણી માટે ર૦૧૪ ની સાલમાં ફ્રાન્સની સીરેલુમ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. સદ્દર કંપનીએ કોન્ટ્રાકટ મળ્યા બાદ તમામ ઝોનમાં પેટા કોન્ટ્રાકટ આપ્યા હતા. જેના માટે સક્ષમ સત્તાની મંજૂરી લીધી ન હતી. મ્યુનિ.લાઈટખાતાના ઉચ્ચ અધિકારી સાથે મેળાપીપણા કરીને સોડીયમ લાઈટના સ્થાને એલઈડી લાઈટનો કોન્ટ્રાકટ પણ બારોબાર લેવામાં કંપનીને સફળતા મળી હતી. તદ્દઉપરાંત એલઈડી સાઈટ્સના થાંભલા બદલવા માટે પણ ટેન્ડર પ્રક્રિયા વિના જ સીરેલુમ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.
સ્ટ્રીટલાઈટ મેઈન્ટેન્સમાં પણ કંપનીની કામગીરી અત્યંત નબળી રહી હતી. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી સભ્ય જતીનભાઈ પટેલે આ મુદ્દે પુરાવા સાથે વિગતવાર રજુઆત પણ કરી હતી. જેના કારણે મ્યુનિ. કમીશ્નરે કંપની સામે વીજીલન્સ તપાસની જાહેરાત કરી હતી. આ તમામ ઘટનાક્રમ ચાલી રહયો હતો તે અરસામાં જ સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ માટે નવેસરથી ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાં અગાઉથી થયેલ ગોઠવણ મુજબ એકમાત્ર સીટેલુમ કંપનીને જ કવોલીફાઈડ જાહેર કરવામાં આવી હતી. મ્યુનિ.કમીશ્નરે જ સીરેલુમ કંપનીને કામ આપવા માટે રોડ એન્ડ બિલ્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજુ કરી હતી. પરંતુ કંપનીની નબળી કામગીરી અને વીજીલન્સ તપાસના કારણોસર કમીટીએ દરખાસ્ત પરત મોકલી નવેસરથી ટેન્ડર જાહેર કરવા સુચના આપી હતી. પરંતુ મનપામાં “ધાર્યું કમીશ્નરનું જ થાય છે ” તે બાબત કમીટી ચેરમેન અને સભ્યો ભુલી ગયા હતા તે બાબત તેમને ફરીથી યાદ કરાવવામાં આવી છે!
મ્યુનિ.રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીની શુક્રવારે મળેલી બેઠકમાં વધુ એક વખત સીરેલુમ કંપનીને જ રૂ.૧રપ કરોડનો કોન્ટ્રાકટ આપવાના કામની દરખાસ્ત કમીશ્નરે રજુ કરાવી હતી. તથા કમીટી ચેરમેન અને સભ્યોએ કોઈપણ ચર્ચા-વિચારણા કર્યા વિના તેની પર મંજૂરીની મહોર લગાવી હતી. સુત્રોએ જણાવ્યા મુજબ સીરેલુમ કંપનીને કોન્ટ્રાકટ અપાવવા માટે કમીશ્નરે ગાંધીનગરનો સહારો લીધો હતો તથા ગાંધીનગરથી આવેલ દબાણ બાદ સબ કમીટી એ રૂ.૧રપ કરોડના કોન્ટ્રાકટ માટે કોઈ જ ચર્ચા-વિચારણા કરી ન હતી.
સીરેલુમ કંપનીને કોન્ટ્રાકટ મળે તેમાં મ્યુનિ.કમીશ્નરની સાથે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને પણ રસ દાખવ્યો હતો. જેના પરીણામે વિજીલન્સ તપાસ ચાલી રહી હોવા છતાં રૂ.૧રપ કરોડ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેની સામે મ્યુનિ. ભાજપના અન્ય હોદેદારોએ પણ કોઈ જ વિરોધ કર્યો નથી. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના બેઠકમાં “ભકિતપથ” માટે રજૂ થયેલ વિવાદાસ્પદ દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી છે. વટવા જી.આઈ.ડી.સી.માં રામોલ પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર ઈજનેરખાતા ના મહાનુભાવોએ ૭.પ મીટરની ફૂટપાથ બનાવી હતી. ડાકોર જતા પદયાત્રીઓને તકલીફ ન થાય તેવા કારણો તે સમયે આપવામાં આવ્યા હતા.
ડાકોરના પદયાત્રીઓ વર્ષમાં માત્ર ચાર-પાંચ દિવસ માટે સદ્દર ફૂટપાથ નો ઉપયોગ કરે છે. જયારે ૩૬૦ દિવસ ફૂટપાથ પર દબાણ થાય છે. તેથી ફૂટપાથની કપાત કરીને રોડની પહોળાઈ વધારવામાટે સ્થાનિક નેતાઓએ આગ્રહ રાખ્યો હતો. સ્થાનિક નેતાઓ અને મનપાના અધિકારીઓ વચ્ચે આ મુદ્દે સમજુતી થતી ન હોવાથી ફેબ્રુઆરીમાં મંજૂર થયેલ ટેન્ડરને દસ મહીના બાદ કમીટી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતાઓના હઠાગ્રહના કારણે ફૂટપાથની પહોળાઈ ઘટાડી ને ૪.પ મીટર કરવામાં આવશે. જેના માટે વધુ રૂ.ત્રણ કરોડનો ખર્ચ થશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.