મ્યુનિ.કમીશ્નરને નાણાકીય સત્તા આપવાની પ્રથા ભાજપને ભારે પડી!
મ્યુનિ.શાસકોએ નામંજૂર કરેલ કરોડો રૂપિયા ના કામો કમીશ્નરે બારોબાર કરાવ્યાઃ શાસકોની મંજૂરી લેવાની દરકાર પણ ન કરી હોવાના આક્ષેપ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “અધિકારી રાજ” ચાલી રહયું છે તે બાબત વધુ એક વખત પુરવાર થઈ છે. મ્યુનિ. શાસકોએ મેલેરિયા મજૂરોની સંખ્યામાં ઘટાડો કરવા માટે ઠરાવ કર્યા બાદ કમીશ્નરે બારોબાર પ૦૦ મેલેરિયા વોલીયન્ટર્સની ભરતી કરી છે. તેવી જ રીતે ફોગીગ ખાનગી કરણ માટે પણ કમીશ્નરે મનમાની રહી છે.
હેલ્થ કમીટી એ ભાવ વધુ હોવાના કારણોસર રી-ટેન્ડર માટે સુચના આપ્યા બાદ કમીશ્નરે ફોગીગના કોન્ટ્રાકટ આપ્યા છે. જે. મ્યુનિ. શાસકોએ અધિકારીઓને આપેલી નાણાંકીય સત્તાનો દુરુપયોગ થઈ રહયો હોવાની ચર્ચા ચાલી રહયા છે. મ્યુનિ.શાસકો પણ આ બાબતથી વાકેફ છે. પરંતુ જાતે જ “કાંડા” કાપી ને આપ્યા હોવાથી કાંઈ કશુ કરી શકવાની સ્થિતીમાં નથી.
મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા મુજબ મેલેરિયા વિભાગ દ્વારા ચોમાસાની સીઝન માટે ૩પ૦ મેલેરિયા વર્કરોની ભરતી કરવા માટે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમીટીએ નાણાંકીય બચત ના કારણો દર્શાવી ૩પ૦ના બદલે ર૦૦ મજુરોની ભરતી કરવા માહિતી આપી હતી.
તેથી મ્યુનિ. કમીશ્નરે બારોબાર એક હજાર વોલીયન્ટર્સ ની ભરતી કરી છે.જેના માટે રૂ.ત્રણ કરોડનો ખર્ચ થશે તેમ છતાં કમીશ્નરે કમીટીની મંજૂરી લેવાની દરકાર કરી નથી.તેવી જ રીતે ફોંગીગ ના કોન્ટ્રાકટ આપવા માટે મેલેરિયા ખાતા એ ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં રૂ.૧૪.પ૦ પ્રતિ ઘટના ભાવ આપ્યા હતા.
હેલ્થ કમીટીએ સદ્દર કામ પરત કરી ફરીથી ટેન્ડર જાહેર કરવા સુચના આપી હતી. કમીટીની સુચના મુજબ રી-ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ કમીશ્નરે આ મામલે પણ તેમની સર્વપરીતા સાબિત કરી છે. તથા શાસકોને કોરાણે રાખીને ફોગીંગના કોન્ટ્રાકટ આપ્યા છે. નવા પશ્ચિમઝોન (ઉત્તર અને દક્ષિણ) માં ફોગીગનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે.
જેના માટે બે એજન્સીઓને ઘરદીઠ રૂ.૧૪.પ૦ના ભાવથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. તથા એજન્સી દીઠ દૈનિક ર૦૦ મકાનનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે. આમ મેલેરિયા વોલીયન્ટર્સ અને ફોગીંગ કોન્ટ્રાકટર મામલે શાસકો એ કરકસરની નીતિ અપનાવી હતી જેની સામે કમીશ્નરે તમામ નીતિ-નિયમા નેવે મુકીને નાણાકીય સતા ના જારે કરોડો રૂપિયાના કામ શરૂ કરાવ્યા છે. તે બાબતે ચર્ચાનો વિષય બને છે.
મ્યુનિ. કોર્પોરેશનના શાસકોએ અગમ્ય કારણોસર તેમના હકક વહીવટીતંત્ર ને સોપવા કે જયારે વહીવટીતંત્રની જવાબદારી પોતાના શિરે લીધી છે. મ્યુનિ. સત્તાધારી પાર્ટીની સદ્દર નીતિનો ભોગ નાગરીકો બની રહયા છે. કોન્ટ્રાકટરો માલ-માલ થઈ રહયા છે. જયારે તંત્રની તિજારી ખાલી થઈ રહી છે. મ્યુનિ. કોર્પોરેશનમાં નાના-મોટા કોઈપણ ફંકશન કે પ્રોજેકટ માટે કમીશ્નરને નાંણાકીય સતા આપવાનો રિવાજ થઈ ગયો છે.
પરંતુ ફંકશન કે પ્રોજેકટ પૂર્ણ થયા બાદ કમીશ્નર પાસે હિસાબ માંગવાની પ્રજા હજી શરૂ થઈ નથી. સામાન્ય નિયમ મુજબ સ્ટેન્ડીંગ કમીટી આ પ્રકારની સત્તા આપે ત્યારે તેના હીસાબ પણ કમીટી સમક્ષ રજુ કરવા જરૂરી બને છે. પરંતુ વર્તમાન કમીશ્નર પાસે કોઈ હિસાબ માંગવાની હિંમત હજી કોઈ એ દર્શાવી નથી. ચોકાવનારી બાબત એ છે કે કલમ ૭૩ (ડી) ના કામો સ્ટેન્ડીંગ કમીટી રજુ કરવામાં આવતા હતા. જે પણ છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવ્યા છે. તેમ છતાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન તથા અન્ય હોદ્દેદારો આ અંગે હરફ સુધ્ધા ઉચ્ચારવા તૈયાર નથી. મ્યુનિ. કમીશ્નર ને શાસકો દ્વારા આંખ મીચીને જે નાણાકીય સત્તાઓ આપવામાં આવી છે.
તે બાબત તેમને જ ભારે પડી રહી છે. સ્ટેન્ડીંગ કમીટી જે કામ નામંજૂર કરે તે જ કામ કમીશ્નર તેમને આપવામાં આવેલી નાંણાકીય સત્તાનો ઉપયોગ કરીને પુરા કરાવી રહયા છે. મેલેરિયા ખાતાના બે કામો આ જ પધ્ધતિથી કમીશ્નરે કરાવી રહયા છે. શાસકો દસ રૂપિયા બચાવવા પ્રયાસ કરી રહયા છે. જેની સામે કમીશ્નર રૂ.દસ હજારનો ધુમાડો કરી રહયા છે. તેવી ચર્ચા એ વેગ પકડયો છે.