Western Times News

Gujarati News

મ્યુનિ. કમીશ્નરને સાત દિવસમાં ત્રણ વખત રાજકીય શકિતનો પરચો મળ્યો

File

મ્યુનિ. બોર્ડમાં કોગ્રેસના આકરા વલણ બાદ “મેટ”ની મીટીંગમાં ભાજપાએ પણ આક્રોશ વ્યકત કર્યો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “એકચક્રી” શાસન કરવાની ઈચ્છા રાખતા કમીશ્નરના મનસુબા પર છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વખત પાણી ફરી વળ્યા છે. મ્યુનિ. કોગ્રેસ પક્ષના આકરા વલણ બાદ ભાજપના કોર્પોરેટરો પણ કમીશ્નર વિરૂધ્ધ બળાપો કાઢી રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન ની સામાન્ય સભામાં કોગ્રેસના આકરા ચાબખા લગાવ્યા હતા. તથા કમીશ્નર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. જયારે “મેટ”ની બેઠકમાં ભાજપના હોદેદારો એ પણ મ્યુનિ. હોસ્પીટલની કથળતી જતી સ્થિતી મામલે આક્રોશ વ્યકત કર્યો હોવાની ચર્ચા એ જાર પકડયું છે.

મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષી નેતા દિનેશ શર્માએ કમીશ્નરને આડા હાથે લીધા હતા. તથા માહિતી છુપાવવા અને ભ્રષ્ટાચાર આચરવા મામલે એ.સી.બી.માં ફરીયાદ કરવાની ચીમકી પણ આપી હતી. મ્યુનિ.કમીશ્નર ના વલણથી નારાજ કોગ્રેસ સભાગૃહમાં “હાય-હાય” ના નારા લગાવ્યા હતા. જેનાથી કમીશ્નર અત્યંત વ્યથિત થયા હતા.

બુધવારે રોડ ભ્રષ્ટાચાર મુદ્દે રજુઆત કરવા ગયેલ કોગી પ્રતિનિધિ મંડળ સમક્ષ તેમની નારાજગી વ્યકત કરી હતી. કોગી પ્રતિનિધિમંડળના આંતરીક સુત્રોનું માનીએ તો મ્યુનિ. કમીશ્નરે “હાય-હાય” ના સુત્રોચ્ચાર ન કરવા વિનંતી કરી હતી. તથા તેઓ તટસ્થ રીતે કામ કરી રહયા હોવા છતાં ભાજપના કોર્પોરેટરો પણ તેમનાથી નારાજ છે. તેમજ કોગ્રેસ આ પ્રકારનું વલણ દાખવશે.

તો તેઓ ભાજપ ને જ સાથ આપશે તેવી ગર્ભિત ચેતવણી પણ આપી હતી. સાથે-સાથે ભાજપ-કોગ્રેસના રાજકીય વિખવાદમાં કમીશ્નરે નિશાન ન બનાવવા વિનંતી કરી હતી.  જયારે કોગી કોર્પોેરેટર યશવંત યોગી નો ફોન હંમેશા માટે “બ્લોક” જ રહેશે તેમ સ્પષ્ટ જણાવ્યું હતું જેના કારણે વિપક્ષી નેતા દિનેશ શર્મા એ કમીશ્નરની રીતિ-નીતિ સામે રોષ પણ વ્યકત કર્યા હતો.

બુધવારે કોગી પ્રતિનિધિમંડળના રોષનો ભોગ બન્યા પહેલા મંગળવારે ભાજપના એક હોદેદારે પણ કમીશ્નરને રાજકીય શકિતનો પરચો બતાવ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિ. ભાજપના આંતરીક સુત્રોનું માનીએ તો મંગળવાર સાંજે “મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ”ની બેઠક મળી હતી. જેમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોગી નેતાએ વોકઆઉટ કર્યો હતો.

કોગી નેતાના વોક-આઉટ બાદ મીટીંગમાં હાજર ભાજપના હોદ્દેદારે વી.એસ. અને મ્યુનિ. હોસ્પીટલોની દુર્દશા મામલે આક્રોશ વ્યકત કર્યો હતો. ભાજપ હોદેદારો રજુઆત કરતા જણાવ્યું હતું કે વી.એસ. હોસ્પીટલનું સંચાલન મેયર કરતા હતા.

ત્યાં સુધી ખૂબ જ સારો વહીવટ થયો હતો અને પ્રજાને શ્રેષ્ઠ સારવાર મળતી હતી. તેવી જ રીતે એલ.જી. અને શારદાબેનમાં કમીશ્નરનો વહીવટ હોવા છતાં શાસકપક્ષનો કંટ્રોલ હતો. તેથી આ તમામ હોસ્પીટલોમાં નાગરીકોને કયારેય અગવડ થઈ ન હતી. પરંતુ વી.એસ. માંથી મેયરની બાદબાકી થયા બાદ મનપાની હોસ્પીટલોનો વહીવટ ખાડે જઈ રહયો છે.

એલ.જી. તથા શારદાબેન હોસ્પીટલમાં પણ દર્દીઓની દરકાર લેવામાં આવતી નથી જયારે રૂ.૭પ૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ એસવીપી હોસ્પીટલમાં લોકાર્પણ સમયથી વિવાદ છે. એસવીપીમાંથી પાણી લીકેજ થવા સીલીંગ તૂટવી, સીકયોરીટીની મારામારી જેવા અનેક કિસ્સા બહાર આવ્યા છે. તેથી શહેરના નાગરીકો માટે મનપા સંચાલિત હોસ્પીટલોના દરવાજા બંધ થઈ ગયા હોય તેમ લાગી રહયું છે. જેના કારણે ભાજપની છબી ખરડાઈ રહી હોવાની રજુઆત થઈ હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.