Western Times News

Gujarati News

મ્યુનિ. કમીશ્નરે ભરતી કરેલા મેલેરિયા વોલીયન્ટર્સની નબળી કામગીરી

File

રાજયના કુલ કેસ પૈકી ૪૦ ટકા કેસ અમદાવાદમાં નાેંધાયા હોવાની ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધી રહયો છે. મ્યુનિ.વહીવટીતંત્રની નિષ્ક્રિયતાના પરિણામે ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે.મ્યુનિ.કમીશ્નરે મચ્છરોની ઉત્પન્ન તથા રોગચાળાને નિયંત્રણમાં લેવાના કારણો દર્શાવી એક હજાર વોલીયન્ટર્સની હંગામી ધોરણે ભરતી કરી છે. પરંતુ વોલીયન્ટર્સની ભરતી બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે.

જયારે દર વર્ષેની માફક પરંપરાગત કોન્ટ્રાકટરોને આઈ.આર.સ્પ્રે અને યોગીગના જે કોન્ટ્રાકટ સોપવામાં આવ્યા છે. તેની કામગીરી પણ માત્ર કાગળો પુરતી જ સીમિત રહી હોય તેમ સ્પષ્ટ જણાય છે. મ્યુનિ.કમીશ્નરે વોલીયન્ટર્સની ભરતી રોગચાળાને નિયંત્રણમાં લેવાના બદલે દંડ ઉઘરાવવા માટે જ કરી હોય તેમ તેમની કામગીરીના આંકડા દર્શાવે છે.

મ્યુનિ.મેલેરિયા વિભાગમાં મજુરોની હંગામી ધોરણો ભરતી કરવા માટે કમીશ્નરે રજુ કરેલી દરખાસ્તનો સ્ટેન્ડીંગ કમીટીએ અસ્વીકાર કર્યો હતો. મ્યુનિ.કમીશ્નરે તેમની સર્વોચ્ચતા સાબિત કરવા માટે દૈનિક રૂ.પ૦૦ ના વેતનથી એક હજાર વોલીયન્ટર્સની હંગામી ભરતી કરી છે. મ્યુનિ.કમીશ્નરે નાણાકીય સતાનો દુરુપયોગ કરીને બિનતાલીમી વોલીયન્ટર્સની ત્રણ મહીના માટે કરેલી ભરતીના કારણે તંત્રની તિજારી પર રૂ.૪.પ૦ કરોડનો બોજ આવશે.

રોગચાળાને નિયંત્રણમાં લેવાના કારણો દર્શાવી જે વોલીયન્ટર્સને દૈનિક રૂ.પ૦૦ આપવામાં આવી રહયા છે. તેમની ભરતી બાદ રોગચાળામાં વધારો થયો છે. મ્યુનિ મેલેરિયાખાતામાં પાંચ સપ્ટેમ્બરથી વોલીયન્ટર્સની કામગીરી શરૂ થઈ છે. દિવાળીના વેકેશન કે અન્ય રજાઓની ગણત્રી કરવામાં આવે તો બે મહીનામાં પ૦ દિવસની કામગીરી થઈ છે. જેમાં ડોર ટુ ડોર સર્વેના ચાર રાઉન્ડ પુરા કરવામાં આવ્યા હોવાના દાવા થઈ રહયા છે.

બે મહીનામાં ડેન્ગ્યુના રપ૦૦ કેસ નોધાયા : મેલેરિયા વોલીયન્ટર્સે રૂ.૪.પ૦ કરોડના પગાર  : ખર્ચ સામે રૂ.૧.૬૦ કરોડની રીકવરી કરી આપી

મેલેરિયા વોલીયન્ટર્સ દ્વારા ર૧ લાખ મકાનોની મુલાકાત લેવામાં આવી છે.તંત્રના દાવા મુજબ પાંચ લાખ મકાનોનો ચાર-ચાર વખત સર્વે કરવામાં આવ્યો છે. આ દાવાને સાચા માનવામાં આવે તો વોલીયન્ટર્સની કામગીરીનું પરીણામ શૂન્ય છે.  ચાર-ચાર વખત સર્વે કર્યા બાદ પણ મચ્છરોની ઉત્પતિ અને મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં આવ્યા નથી. તેમજ ગત વર્ષની સરખામણીમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.

મ્યુનિ.કમીશ્નરે ભરતી કરેલા વોલીયન્ટર્સની કામગીરી શરૂ થયા બાદ ડેન્ગ્યુના રપ૦૦ કેસ કન્ફર્મ થયા છે. ચાલુ વર્ષે ડેન્ગ્યુના કુલ ૩૩૪પ કેસ નોધાયા છે. જે પૈકી લગભગ ૮૦ ટકા કેસ વોલીયન્ટર્સની ભરતી બાદ નોધાયા છે. ચાર-ચાર વખત સર્વે બાદ પણ આ પરીણામ મળ્યા છે. જેના માટે મ્યુનિ. કમીશ્નરે જવાબદારીનો સ્વીકાર કરેતે જરૂરી છે.

મ્યુનિ.મેલેરિયા વિભાગની કામગીરી માટે હંગામી ધોરણે ભરતી કરવામાં આવેલ વોલીયન્ટર્સ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ભલે નિષ્ફળ સાબિત થયા હોય પરંતુ “રિકવરી એજન્ટ” તરીકે સફળ પુરવાર થયા છે. દૈનિક રૂ.પ૦૦ ના વેતન સામે માત્ર ૬૦ દિવસમાં જ મેલેરિયા ખાતા માટે રૂ.૧ કરોડ ૬૦ લાખની ઉઘરાણી વહીવટીચાર્જ પેટે કરી છે. મતલબ કે, ત્રણ મહીનાના પગાર ખર્ચ સામે એક મહીનાનો ખર્ચ રીકવર કરી આપ્યો છે. તેવા કટાક્ષ પણ થઈ રહયા છે.

શહેરમાં ર૦૧૮ના વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના૩૧૪પ કેસ નોધાયા હતા. જેની સામે ર૦૧૯ના પ્રથમ દસ મહીનામાં જ ૩૩૪પ કેસ નોધાયા છે. ર૦૧૮ ના સપ્ટેમ્બર મહીનામાં ૮૯૯ અને ઓકટોબરમાં ૧ર૩૪ કેસ નોધાયા હતા. જયારે ર૦૧૯ ના સપ્ટેમ્બરમાં ૧ર૩પ અને ઓકટોબરમાં ૧ર૦૯-કેસ નોધાયા છે. નવેમ્બર ર૦૧૮ માં ડેન્ગ્યુના ૩૩ર કેસ કન્ફર્મ થયા હતા જેની સામે ચાલુ નવેમ્બરના પ્રથમ ૦૬ દિવસમાં જ ડેન્ગ્યુના ૧૭૦ કેસ નોધાયા છે.

મ્યુનિ.મેલેરિયા વિભાગ અને કમીશ્નરે ભરતી કરેલા વોલીયન્ટર્સની નબળી કામગીરી સાબિત કરવા આ આંકડા જ પુરતા છે. મેલેરિયા ખાતા દ્વારા રૂ.૧ કરોડ ૮૦ લાખના ખર્ચથી તળાવોની સફાઈ માટે પણ કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે.
વિભાગ દ્વારા તમામ ૩૭ તળાવોની સફાઈ કરવામાં આવી હોવાના દાવા થઈ રહયા છે. પરંતુ સ્થળ પરિસ્થિતિમાં ફરક હોવાનું જાણકારો માની રહયા છે.

મનપા દ્વારા રોગચાળાના નામે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં દર વર્ષે રોગચાળાના આંકડા વધી રહયા છે. ફોગીંગ આઈ.આર.સ્પ્રે, દવા છંટકાવ, સફાઈ તથા સર્વેના  કામ કોન્ટ્રાકટરોને સોંપવામાં આવી રહયા છે. જેના માઠા પરિણામ નાગરીકો ભોગવી રહયા છે. ચોકાવનારી બાબત એ છે કે રાજયમાં ડેન્ગ્યુના જેટલા કેસ નોધાયા છે.

તેના લગભગ ૪૦ ટકા કેસ માત્ર અમદાવાદ શહેરમાંથી જ કન્ફર્મ થાય છે. ર૦૧૮ના વર્ષ દરમ્યાન રાજયમાં ડેન્ગ્યુના ૭પ૭૯ કેસ નોધાયા હતા. જે પૈકી અમદાવાદમાં ૩૧૩પ કેસ નોધાયા હતા. ર૦૧૯માં પણ આ જ પરિસ્થિતિ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.