Western Times News

Gujarati News

મ્યુનિ.કર્મચારી દંપતીએ બોગસ સહી કરી પગાર લીધો

Files Photo

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદનમાં કૌભાંડો અને ગેરરીતી સામાન્ય બાબત બની ગયા છે. ટેન્ડર-પ્રક્રિયાથી શરૂ કરી ફાઈનલ બીલ મંજૂર થાય ત્યાં સુધી “ટકાવારી” ચાલી રહી છે.

પરંતુ છેલ્લા થોડા સમયથી કૌભાંડ અને ગેરરીતીના બદલે મોટાપાયે છેતરપિંડી થઈ રહી છે. ખોટા જન્મના દાખલા રજૂ કરી ભાણિયાને પુત્ર જાહેર કરવો કે એક જ પાનકાર્ડ પર બે ભાઈઓએ નોકરી કરી હોવાના કિસ્સા બહાર આવ્યા છે.

આ તમામ છેતરપિંડી કે ગુનાહિત કૃત્ય જેવોજ એક વધુ કેસ બહાર આવ્યો છે. જેમાં પતિ-પત્નીએ કલાર્કની ખોટી સહી કરીને ત્રણ મહિનાનો પગાર લીધો છે.

આ બાબતની જાણ થતા તેમને નોકરીમાંથી રીમુવ કરવામાં આવ્યા હોવાથી છેતરપિંડી કરનાર દંપતી દ્વારા શાસકપક્ષના હોદ્દેદારો સમક્ષ પરત લેવા માટે અરજી કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભરતભાઈ ગડીયલ અને મણીબેન ભરતભાઈ ગડીયલ વેજલપુર વોર્ડમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા.

મ્યુનિ. કોર્પાેરેશનની હદમાં નવા પશ્ચિમ ઝોનના વિસ્તારો ભેળવાયા બાદ આ વિસ્તારના કર્મચારીઓનો પણ મનપામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત ભરતભાઈ ગડીયલ અને મણીબેન ભરતભાઈ ગડીયલનો પણ મ્યુનિ.કોર્પાેરેશનના કર્મચારી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમજ બંનેને જાેધપુર વોર્ડમાં લેવામાં આવ્યા હતાં.

પરંતુ ભરતભાઈ તથા મણીબેન ગડીયલ જાેધપુર વોર્ડમાં ફર પર હાજર થયા ન હતા. તેમજ વેજલપુર વોર્ડમાં પણ ફરજ બજાવી નહતી. તેમ છતાં તેમણે ડીસેમ્બર-૨૦૧૫થી એપ્રિલ-૨૦૧૬ સુધી ડુપ્લીકેટ હાજરી પત્રક બનાવી હાજરી ભરી હતી.

જેમાં એસ.એસ.આઈ તથા પી.એચ.એસ.ની ખોટી સહીઓ કરીને આ સમયગાળા દરમ્યાનનો પગાર લીધો હતો.

ભરતભાઈ ગડીયલે ખોટી સહી કરીને રૂા.૭૧૧૧૨ તથા મણીબેન ગડીયલે રૂા.૬૯૦૧૨ પગાર પેટે લીધા હતા. આ બાબતની જાણ પી.એચ.એસ.ને થતાં તેમણે ઉચ્ચ અધિકારીને તમામ માહિતીથી વાકેફ કર્યા હતા.

ખાતાકીય તપાસમાં આક્ષેપો સાબિત થતા મણીબેન અને ભરતભાઈને ૨૦ જૂન ૨૦૧૯થી બરતરફ કરવામાં આવ્યાં છે. જેની સામે બંનેએ યુ.પી.એચ.સી.એક્ટની કલમ ૫૬(૪) અંતર્ગત અપીલ સબ કમીટી સમક્ષ યોગ્ય નિર્ણય લેવા માટે અરજી કરી છે.

આગામી ચાર નવેમ્બરે તેમની અપીલ અંગે નિર્ણય લેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે બોગસ પુરાવાના આધારે વારસદાર તરીકે નોકરીએ મેળવનાર મુકેશભાઈ રાઠોડના ભાવિ અંગે પણ અપીલ સબ કમીટીમાં નિર્ણય થશે.

મ્યુનિ.કોર્પાેરેશનમાં ગેરરીતી અને છેતરપિંડીના કિસ્સા અવારનવાર બહાર આવતાં રહે છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ કેસ નવા પશ્ચિમ ઝોન સીવીક સેન્ટરનો રહ્યો છે.

જેમાં અંદાજે રૂા.ત્રણ કરોડની ઉચાપત થઈ હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં કથિત દોષિતો સામે મનપા દ્વારા પોલીસ કેસ કરવામાં આવ્યા છે. પરંતુ નાણાં પરત લેવા માટે કોઈ જ કાર્યવાહી થઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.