Western Times News

Gujarati News

મ્યુનિ.કોન્ટ્રાક્ટરની દાદાગીરી : પરવાનગી વિના પે એન્ડ યુઝ તોડી પાડ્યું

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલી રહ્યું છે. તેમજ ચૂંટાયેલી પાંખની કોરાણે મુકવામાં આવી હોય તેવો માહોલ જાવા મળે છે. મ્યુનિ.અધિકારીઓની રહેમનજરે કોન્ટ્રાક્ટરો મનસ્વી રીતે કામ કરી રહ્યાં છે. જેના પરિણામે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થાય છે. તેમ છતાં મ્યુનિ.હોદ્દેદારો મુકપ્રેક્ષક બનીને તમાશો જાયા કરે છે.

દરવર્ષે ચોમાસામાં કરોડો રૂપિયાના રોડ ધોવાણ થવાં કે પછી ડ્રેનેજ સફાઈના કામોમાં ગેરરીતી થવી તે સામાન્ય બાબત થઈ ગઈ છે. તેવી જ રીતે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પણ બિલ્ડરો મનમાની કરીને કોર્પાેરેશનની મિલ્કતોને નુકસાન કરી રહ્યાં છે. શહેરના વાડજ વિસ્તારના રામાપીર ટેકરામાં ઘણાં સમયથી રીડેવલપમેન્ટનો ઈશ્યુ અટવાયો છે.

સ્થાનિક રહીશોને ખસેડવા માટે કોન્ટ્રાક્ટર રોજ નવા નુસખાં કરે છે. તેમ છતાં તેનો ઉકેલ ન આવતાં ગત સપ્તાહમાં મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ પે એન્ડ યુઝને તોડી પાડવામાં આવ્યું હતું. જેના પરિણામે તંત્રની તિજારીને રૂ.૫૦ લાખનું નુકસાન થયું છે. રામાપીર ટેકરાના રહીશોની પ્રાથમિક સવલત બંધ થઇ છે. તેમ છતાં બિલ્ડરોના શરણે થયેલાં અધિકારીઓએ હજી સુધી કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી કરી નથી.

શહેરના જુનાવાડજના ડો. આંબેડકર પ્રતિમાની નજીક એક બહુમાળી પે એન્ડ યુઝ શૌયાલય આવેલું હતુ જેને કોર્પાેરેશનના કોન્ટ્રાક્ટરે તોડી પાડયું હતુ. સામાન્ય નિયમ મુજબ મ્યુનિ.ની પૂર્વ મંજુરી કે કમિટીના ઠરાવ વિના ગેરકાયદે પે એન્ડ યુઝ શૌચાલય તોડવામાં આવતાં નથી.

મ્યુનિ. તેમજ સરકારી મિલકતને તોડી પાડવામાં આવે તો મિલ્કતને પરવાનગી વિના તોડી પાડવામાં આવે તો પોલીસ કેસ સુધીની કાર્યવાહી કરી શકાય છે પણ મ્યુનિ.ના અધિકારીઓ નિયમોનું પાલન કરવામાં જરાય રસ નથી. મ્યુનિ.એ ૨૦૧૪માં રામદેવપીર ટેકરા સ્લમ રિ-ડેવલપમેન્ટની સ્કીમ મુકી હતી જેમાં છેલ્લા પાંચ વર્ષથી સ્થાનિકો અને ડેવલપર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

મોટાભાગના સ્થાનિક રહીશો મકાનો તોડવાની સંમતિ આપી રહ્યાં નથી છાશવારે વિરોધ પ્રદર્શનો થાય છે તેવામાં રી ડેવલપરે એક જેસીબી મશીન લઈ પે એન્ડ યુઝ શૌચાલય તોડવાની કામગીરી કરી હતી. જે વેળાએ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જાહેર શૌચાલય તોડવાના નિયમો કડક છે. સ્થાનિક ચારેય કોર્પોરેટરોની ભલામણ બાદ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીમાં ઠરાવ મંજુર કરવો પડે છે.

પછી બોર્ડની સામાન્ય સભામાં ઠરાવ મંજુર થાય પછી જાહેર શૌચાલય તોડી શકાય છે  પણ આવી કોઇપણ પ્રક્રિયા કર્યા વિના જ બારોબાર પે એન્ડ યુઝ શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. બહુમાળી પે એન્ડ યુઝ શૌચાલયમાં ૨૫ ટોયલેટ હતા જ્યારે તેની કિંમત અંદાજે ૫૦ લાખ જેટલી થાય છે.

કોન્ટ્રાક્ટરે આ શૌચાલય તોડી પાડયું તો અંદરનો સામાન કે ટાંકી પણ હટાવી ન હતી. આ ઘટના બાદ વોર્ડ અને ઝોન સ્તરના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા પણ તેમણે કાર્યવાહીને બદલે કુલડીમાં ગોળ ભાંગી સેટિંગ કરી લીધું હોવાની ચર્ચા છે.

મ્યુનિ.કમિશનર છેલ્લાં ઘણા સમયથી સ્વચ્છતા ઝુંબેશ ચલાવી રહ્યાં છે. તથા સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ નંબર મેળવવા માટે શહેરને દરજ્જા પણ મેળવેલ છે. આ સંજાગોમાં રામાપીર ટેકરાના રહીશો માટે બનાવામાં આવેલ પે એન્ડ યુઝને તોડી પાડવામાં આવતાં સ્થાનિક રહીશો માટે પારાવાર સમસ્યાઓ પેદા થઈ છે. તથા શૌચ ક્રિયા ક્યાં જવું તે પેચીદો પ્રશ્ન બન્યો છે.

રામાપીર ટેકરાના સ્થાનિક એવા વકીલ નરેન્દ્રભાઇ એસ. પરમારનું કહેવું છે કે, સ્લમ રિડેવલપમેન્ટના નામે ગરીબોનાં શૌચાલયો તોડી પાડવામાં આવી રહ્યા છે અને બિલ્ડર કમ કોન્ટ્રાક્ટર દ્વારા ગરીબોની સમસ્યાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે તો આ સાથે જ સ્થાનિક લોકોએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, બિલ્ડરનાં માણસો દ્વારા રામાપીર ટેકરાના રહીશો ડરાવી ધમકાવવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.