મ્યુનિ.કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓની દિવાળી સુધરી !

વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ અને દિવાળી ફેસ્ટીવલ પેટે રૂા.૧૦.૨૫ કરોડ ચૂકવાયા
(દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ઘણા સમયથી આર્થિક કટોકટી ચાલી રહી હતી. જેના કારણે કોન્ટ્રાક્ટરોના પેમેન્ટ પણ અટવાયા હતા. તથા ચોથા વર્ગના કર્મચારીઓના બોનસ માટે પણ અસમંજસની સ્થિતિ જાેવા મળી હતી. પરંતુ આ તમામ તકલીફોનું હંગામી ધોરણે નિવારણ થયું છે. રાજ્ય સરકારે કોરોના ખર્ચ પેટે રૂા.૧૫૦ કરોડની રકમ ફાળવતા કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓની દિવાળી સુધરી જાય તેવા એંધાણ જાેવા મળી રહ્યા છે.
કોરોના અને લોકડાઉનના કારણે વૈશ્વિક મંદીનો માહોલ જાેવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં પણ નવા નાણાંકીય વર્ષની શરૂઆતથી જ આર્થિક મુશ્કેલીઓ જાેવા મળી છે. જેના કારણે બજેટના કેટલાક કામો સ્થગિત કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી અંતર્ગત પણ પૂરતી રકમ ફાળવવામાં આવી નથી. જ્યારે મનપા દ્વારા કોરોના પેટે રૂા.૪૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેની સામે સરકારે માત્ર રૂા.૬૪ કરોડ ફાળવ્યા હતા.
જેના કારણે રૂા.૧૦૦ કરોડના પેમેન્ટ અટવાયા હતા. તથા કોન્ટ્રાક્ટરોની દિવાળી બગડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ સરકારે મંગળવાર સાંજે કોરોના ખર્ચ પેટે વધુ રૂા.૧૫૦ કરોડનો ચેક આપ્યો છે. તેથી ગુરુવાર કે શુક્રવારે કોન્ટ્રાક્ટરોના પેમેન્ટની ચૂકવણી થઈ જશે. તેવી જ રીતે ચોથા વર્ગના કર્મચારીઓને પણ રાજ્ય સરકારના ધોરણે ૨૦૧૯-૨૦નું બોનસ આપવામાં આવ્યું છે.
મ્યુનિ.નાણાં ખાતાના સરક્યુલર નંબર-૪૧ મુજબ ૯ નવેમ્બરે કર્મચારીદીઠ રૂા.૩૫૦૦ લેખે બોનસ આપવામાં આવ્યું છે. સદર રકમ કર્મચારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જેનો અંદાજિત ખર્ચ રૂા.૫.૭૫ કરોડ થશે. જ્યારે વર્ગ-૪ના ૧૫ હજાર કર્મચારીઓને કર્મચારી દીઠ રૂા.ત્રણ હજાર લેખે ફેસ્ટીવલ એડવાન્સ આપવામાં આવ્યું છે. જેનો અંદાજિત ખર્ચ રૂા.૪.૫૦ કરોડ થશે. આમ, ચોથા વર્ગના કર્મચારીઓને બોનસ અને ફેસ્ટીવલ એડવાન્સ પેટે કુલ રૂા.૧૦.૨૫ કરોડ ચૂકવવામાં આવ્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.