મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટણીના વર્ષમાં રોડ પર દોડી રહેલી “યમદૂત” સમાન બસો
કોન્ટ્રાક્ટ, આયુષ્ય અને કીલોમીટર પૂર્ણ થયા હોવા છતાં એએમટીએસ દ્વારા ૧૫૦ બસનો કોન્ટ્રાક્ટ રીન્યુ કરવામાં આવ્યો
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ,અમદાવાદ મહાનગરની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સામાન્ય રીતે ચંૂટણીના વર્ષમાં સત્તાધારી પાર્ટી દ્વારા પ્રજાલક્ષી કામો પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ ૨૦૨૦નું વર્ષમાં કોરોનાના કારણે પ્રજાલક્ષી કામો થઈ શક્યા નથી. અનલોક જાહેર થયા બાદ મ્યુનિ.હોદ્દેદારોએ ડ્રેનેજ, પાણી અને લાઈટના કામો ઝડપથી પૂર્ણ કરવા પ્રાધાન્ય આપ્યું હતું. પરંતુ જાહેર પરિવહન સેવા તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા હતાં. જેના કારણે, ચૂંટણીના વર્ષમાં જ શહેરની સડકો પર “યમદૂત”સમાન ૨૦૦ કરતા વધુ બસો દોડી રહી છે.
સ્માર્ટસીટી અમદાવાદની જાહેર પરિવહન સેવા કથળી રહી છે. મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસની આર્થિક પરિસ્થિતિ નબળી થયા બાદ નવી બસો ખરીદ કરવાના બદલે સત્તાધારી પાર્ટીએ જનમાર્ગ માટે રૂા.૧૫૦૦ કરોડનો ખર્ચ કર્યા છે. જેનો લાભ શહેરના માત્ર બે ટકા નાગરીકો લઈ રહ્યા છે. આમ, નક્કર આયોજન વિના કરવામાં આવેલ કરોડો રૂપિયાનો ખર્ચ એળે ગયો છે. તથા જાહેર પરિવહન સેવામાં સુધારો થયો નથી. જેના માટે વહીવટીતંત્ર કરતા ચૂંટાયેલી પાંખ વધુ જવાબદાર હોવાના વારંવાર આક્ષેપ થતા રહ્યા છે. હાલના સંજાેગોમાં આ આક્ષેપો સાચા સાબિત થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. મ્યુનિ.શાસકોની નિષ્ક્રિયતાના પરીણામે ભંગાર (સ્ક્રેપ)માં મોકલવા લાયક બસો દોડી રહી છે.
મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ જનમાર્ગ દ્વારા ૨૦૧૨-૧૩માં ૧૩૧ બસો ફીડર સેવા માટે આપવામાં આવી હતી. જે પૈકી હાલ ૫૦થી ૬૦ બસો રોડ પર મૂકવામાં આવી રહી છે. જ્યારે બાકી બસો વર્કશોપમાં ધૂળ ખાઈ રહી છે. આ તમામ બસોને એક વર્ષ અગાઉ સ્ક્રેપમાં લઈ જવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા એક વર્ષ અગાઉ ૩૦૦ બસ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ તત્કાલિન ટ્રાન્સપોર્ટ મેનેજર અને મ્યુનિ.કમીશનર દ્વારા વિચિત્ર શરતો રાખવામાં આવી હોવાથી માત્ર એક જ સંસ્થાએ રસ દાખવ્યો હતો તથા ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી.
સદર ૩૦૦ બસો સામે ૧૩૧ બસ સ્ક્રેપ કરવાની હતી પરંતુ ટેન્ડર રદ થયા બાદ સ્ક્રેપની બસો દોડી રહી છે. તેવી જ રીતે ગત સપ્ટેમ્બર મહિનામાં કોન્ટ્રાક્ટરની ૧૫૦ બસોનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે. આ ૧૫૦ બસો અરહમ, માતેશ્વરી અને ચાર્ટડ સ્પીડની છે. સપ્ટેમ્બરમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ વધુ ૦૬ માસ માટે તેની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે, કોરોનાના કારણે પૂરતી બસો રોડ પર મૂકવામાં આવતી નથી તેમ છતાં રાજકીટ કોન્ટ્રાક્ટરોને લાભ આપવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા જે ૧૫૦ બસનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યો છે તેના આયુષ્ય પણ પૂર્ણ થઈ ગયા છે. તથા ૦૬ મહિના પહેલાં જ સ્ક્રેપમાં લઈ જવાની પરિસ્થિતિ હતી તેમ છતાં આ યમદૂત સમાન બસો રોડ પર મૂકવામાં આવી રહી છે.
મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ પાસે સ્વ-માલિકીની માત્ર આઈ મીની બસ છે. ૧૫૦ બસનો કોન્ટ્રાક્ટ લંબાવવામાં આવ્યા બાદ નવી ૧૦૦ બસો કોન્ટ્રાક્ટથી લેવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી હજી સુધી એકપણ બસ સંસ્થાને મળી નથી. પરંતુ ૩૦ જેટલી બસો ચૂંટણી પહેલા આવી જાય તેવી શક્યતા છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા એક વર્ષ અગાઉ ૬૦૦ ઈલેક્ટ્રીક બસના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જેમાં ૩૦૦ બસનો કોન્ટ્રાક્ટ રૂા.૫૪.૯૦ના ભાવથી બે સંસ્થા વચ્ચે વહેંચવામાં આવ્યો હતો. જેમાં ૧૨૦ બસોનો ઓર્ડર ટાટાને અને ૧૮૦ બસ (ચાઈના મેડ)નો ઓર્ડર સ્થાનીક કંપનીને આપવામાં આવ્યો હતો. ટાટાની ૩૦૦ બસ માર્ચ-૨૦૨૦માં મળી જવાના દાવા તત્કાલીન કમીશનરે કર્યા હતા. જેનો ઓર્ડર થોડા સમય પહેલા કેન્સલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ આવ્યા હતા. આ બસો સબસીડી વગરની હોવાથી મનપાને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થઈ રહ્યું હતું. જ્યારે અન્ય ૩૦૦ બસ ક્યારે મળશે ? તેની કોઈ જ વિગતો જાહેર થઈ નથી. જેના કારણે જનમાર્ગ કોરીડોરમાં પણ યમદૂત સમાન બસો દોડી રહી છે.
શહેરમાં જનમાર્ગની શરૂઆત થઈ તે સમયે જે બસ ખરીદ કરવામાં આવી હતી તેના આયુષ્ય અને કીલોમીટર પૂરા થઈ ગયા છે. ૨૦૦૬માં બસોની ખરીદી થઈ તે વાર્ષિક ૭૨ હજાર કીલોમીટરના ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. જેની સામે તમામ બસ ૯૦ હજાર કીલોમીટર કરતા વધુ ચાલી હતી. તે સમયે બસોની સંખ્યા ઓછી હોવાથી તથા કોરીડોર અને રસ્તા ખુલ્લા હોવાના કારણે બસો વધુ કીલોમીટર દોડાવવામાં આવી હતી.
આમ, જનમાર્ગ અને એએમટીએસમાં આયુષ્ય અને કીલોમીટર પૂરા થઈ ગયા હોય તેવી ૨૫૦ કરતા વધુ બસો છે જેને સ્ક્રેપમાં લઈ જવાના બદલે રોડ પર મૂકવામાં આવી રહી છે. નવી બસોની સમયસર ખરીદી ન થવાના કારણે નાગરીકોની જીંદગી સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.