મ્યુનિ.કોર્પાેરેશનની દાણાપીઠ ક્ચેરી ખાતે “કોરોના વિસ્ફોટ”
દસ કર્મચારીઓ અને પંદર મુલાકાતીઓ કોરોના સંક્રમિત થયા
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાના દાવા વચ્ચે મ્યુનિસિપલ કોર્પાેરેશનના મધ્યસ્થ કાર્યાલયમાં જ કોરોના વિસ્ફોટ થયો છે. તેમજ છેલ્લા ત્રણ દિવસમાં જ અલગ-અલગ વિભાગના દસ જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.
જ્યારે મ્યુનિ.ભવનના કોરોના ટેસ્ટીંગ ડોમમાં પણ ૧૫ જેટલા મુલાકાતીઓના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. જે પૈકી બુધવારે જ ચાર પોઝીટીવ કેસ કન્ફર્મ થયા હતા. મધ્યસ્થ કાર્યાલયમાં કોરોનાના વધી રહેલાં કેસના પગલે સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે તેમજ એક દરવાજાે અને પ્રાંગણમાં આવેલ “ચા”ની દુકાન બંધ કરાવી હતી.
શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ મ્યુનિ.કોર્પાેરેશનના ૬૦૦ કરતા વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને મ્યુનિ.કમીશ્નર હોદ્દેદારો મધ્યસ્થ કાર્યાલય ખાતે આવતા ન હતા. ઓક્ટોબર માસની શરૂઆતથી હોદ્દેદારો અને અધિકારીઓ દાણાપીઠ કાર્યાલય ખાતે આવી રહ્યા છે.
જેના પગલે મુલાકાતીઓ અને કોન્ટ્રાક્ટરોની અવર જવર પણ વધી છે. તદપરાંત મ્યુનિ.ભવનના પ્રાંગણમાં છેલ્લા બે મહિનાથી કોઈપણ કામ વિના આવતા લોકોના ટોળા બેસી રહે છે. તેમની કોઈપણ ચકાસણી થતી નથી. તદુપરાંત કેમ્પસમાં બિનજરૂરી ભીડ ન કરવા કોઈ સૂચના આપવામાં આવી નથી. જેના પરીણામે દાણાપીઠ કાર્યાલય ખાતે કોરોના વિસ્ફોટ થયો છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ-ચાર દિવસમાં જ દસ જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે.મ્યુનિ.ભવનના છઠ્ઠા માળે આવેલ આયોજન ખાતાની ઓફીસમાં સોમવારે બે પોઝીટીવ કેસ કન્ફર્મ થયા હતા.
જ્યારે બુધવારે વધુ એક પોઝીટીવ કેસ મળી આવ્યો છે. તેની બાજુમાં જ આવેલી ચીફ ઓડીટર ઓફીસમાં પણ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. સેન્ટ્રલ ઓફીસના એક કર્મચારી પણ સંક્રમિત થયા હોવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે વ્યવસાય વેરા વિભાગના બે અને મિલ્કત વેરા વિભાગ (મધ્યસ્થ)ના પણ એક કર્મચારીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે.
મ્યુનિ.ભવનમાં કમીશનર અને હોદ્દેદારો પુનઃ બિરાજમાન થયા તે સમયથી એન્ટીજન ટેસ્ટ માટે ડીઓસ્ક તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મુલાકાતીઓના ટેસ્ટ કરવામાં આવે છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ મધ્યસ્થ કાર્યાલયના ડોમમાં બુધવાર સુધી ૧૫ જેટલા પોઝીટીવ કેસ કન્ફર્મ થયા છે. બુધવાર સાંજ સુધી ૮૦ વ્યક્તિઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ચાર રીપોર્ટ પોઝીટીવ આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે ફ્રન્ટલાઈન વોરીયર્સ મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે. મ્યુનિ.એસ્ટેટ વિભાગ, એન્જીનીયરીંગ વિભાગ, ટેક્ષ વિભાગ, સેન્ટ્રલ ઓફિસના કર્મચારીઓ સંક્રમિત થયા છે. જ્યારે સૌથી વધુ હેલ્થ ખાતાના કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે.
કોરોનાના શંકાસ્પદ અને પોઝીટીવ દર્દીઓના સતત સંપર્કમાં રહેવાના કારણે મનપાના કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે. મ્યુનિ.ભવનમાં કોરોના વિસ્ફોટ થયા બાદ તંત્ર જાગ્યું છે. તથા ત્રણ દરવાજા પૈકી એક દરવાજાે બંધ કરવામાં આવ્યો છે. તેમજ પ્રાંગણમાં આવેલી ચાની કીટલી બંધ કરવામાં આવી છે.
તેમ છતાં તમામ મુલાકાતીઓના ટેસ્ટ થતા નથી. તથા ટેમ્પરેચર ગનથી ચકાસણી પણ કરવામાં આવતી નથી. તદુપરાંત કેમ્પસમાં કોઈપણ કામ વિના થતી ભીડને હજી દૂર કરવા માટે કાર્યવાહી થતી નથી તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.