મ્યુનિ.કોર્પાેરેશનમાં ભગવાનના કામમાં પણ ભ્રષ્ટાચાર
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનમાં ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃતિ થયો હોય તેવો માહોલ જાેવા મળે છે. રોડ, લાઈટ, પાણી, ટેક્ષ, ડ્રેનેજ સહિતના વિભાગોમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોરોનાકાળમાં પણ કેટલાક અધિકારીઓએ માનવતા નેવે મૂકી તિજાેરીઓ ભરી હોવાની પણ ચર્ચા થતી રહી છે. મ્યુનિ.કોર્પાેરેશનના કેટલાક અધિકારીઓએ ગેરરીતીની હદ વટાવી છે. તથા ભગવાનના કામમાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા તમામ તહેવાર-ઉત્સવોની ઉજવણી ધૂમધામપૂર્વક થાય છે. પરંતુ તેના હિસાબ ક્યારેય જાહેર થતા નથી. ગણેશ વિસર્જનના તહેવારોમાં પણ તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા-સવલત પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે ભક્તજનોને ગણપતિ વિસર્જન માટે હાલાકી ન થાય તે આશયથી તંત્રદ્વારા સાબરમતી નદી તેમજ વોર્ડકક્ષાએ વિસર્જન કુંડ બનાવવામાં આવે છે. જેમાં પણ ભ્રષ્ટ કર્મચારીઓ “કટકી” કરી રહ્યા છે.
પ્રાપ્ય માહિતી મુજબ શાહીબાગ, શાહપુર તથા જમાલપુર વોર્ડમાં ૧૪ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં નિયત કરવામાં આવેલી રકમ કરતા વધુ ચૂકવણી થઈ છે. એક અંદાજ મુજબ ૧૪ વિસર્જન કુંડ માટે રૂા.૫.૪૦ લાખ વધારે ચૂકવાયા છે.
જમાલપુર વોર્ડમાં સાબરમતી નદીના તટ પર એલીસબ્રીજ પાસે મોટી સાઈઝના ગણેશકુંડ બનાવવામાં આવ્યા હતા. જેમાં એસ.ઓ.આર.મુજબ રૂા.૬૭.૨૦ના ભાવ હતા જ્યારે પેમેન્ટ રૂા.૧૨૨ મુજબ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે કુંડ દસ દિવસ માટે તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં પંદર દિવસના નાણાં ચૂકવાયા છે.
શાહીબાગ અને અસારવા વોર્ડમાં પણ આ મુજબ જ ગેરરીતીઓ થઈ છે. ગણપતિ વિસર્જન કુંડ માટે દર વર્ષે કરોડો રૂપિયા ચૂકવાય છે. તેથી નદીના તટમાં કાયમી ધોરણે કુંડ બનાવવા માટે અનેક વખત રજૂઆત થઈ છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓને કાયમી ધોરણે કુંડ તૈયાર થાય તેમાં રસ નથી. દર વર્ષે ૬-૬ ફૂટના ખાડા ખોદી લાખો કટકી થાય તેમાં જ તમામને રસ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
મ્યુનિ.કોર્પાેરેશનમાં ગણપતિ કુંડની માફક રથયાત્રા સમયે પણ ભ્રષ્ટાચાર થાય છે. ફૂટપાથ રીંગ, લાઈટ, રોડ રીસરફેસના કામોમાં વોર્ડકક્ષાએ ગેરરીતીઓ થતી રહે છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ ૨૦૧૯ની રથયાત્રા સમયે જાેર્ડન રોડ પર ફૂટપાથ બનાવવાના કામમાં પણ કટકી થઈ હતી. તે સમયે ૪ જુલાઈએ રથયાત્રા હતી. જ્યારે કોન્ટ્રાક્ટરે ઓગસ્ટ મહિનામાં કામ કર્યુ હતું. તેમ છતાં “રથયાત્રા રૂટ”ના નામે બારોબાર પેમેન્ટ ચૂકવાયા હતા.
જમાલપુર વોર્ડમાં જલયાત્રા પ્રસંગે એપીએમસી તથા જગન્નાથજી મંદિરની આસપાસ વેટમીક્ષ પાથરવાના કામમાં થતી ભ્રષ્ટાચાર થયો હતો. જેમાં કોન્ટ્રાક્ટરને રૂા.૬૦ હજારનો ફાયદો થયો હોવાની વિગતો પણ બહાર આવી છે.