મ્યુનિ.કોર્પાેરેશનમાં વહીવટદારની નિમણૂંક થાય તેવી શક્યતા
વર્તમાન ચૂંટાયેલ પાંખની ટર્મ ૧૫ ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખની મુદ્દત ૧૫ ડિસેમ્બરે પૂર્ણ થાય છે. તેથી વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદ્દતમાં વધારો કરવામાં આવશે કે વહીવટદારની નિમણૂંક કરવામાં આવશે તે અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે મહાનગરપાલિકાઓ સહિત તમામ ચૂંટણી અંગે બે મહિના પહેલાં જ ચિત્ર સ્પષ્ટ કર્યું છે. સામાન્ય રીતે મહાનગરપાલિકાની ચૂંટણીનું ઓક્ટોબર મહિનાના અંતમાં આયોજન થાય છે. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં ચૂંટણી ત્રણ મહિના માટે સ્થિગત કરવામાં આવી છે. તેથી મ્યુનિ.ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થયા બાદ શું ? તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૧૫ ડિસેમ્બર બાદ મનપામાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. મ્યુનિ.હોદ્દેદારોને પણ આ બાબતથી વાકેફ કરવામાં આવ્યા છે. જેના કારણે મહિનાની શરૂઆતમાં જ સબકમીટીઓની મીટીંગ બોલાવવામાં આવી છે. તથા ૧૨ ડિસેમ્બરે મ્યુનિ.કોર્પાેરેશનની માલિક સામાન્ય સભા માટે પણ જાહેરાત થઈ છે.
૧૫ ડિસેમ્બર બાદ વહીવટદારની નિમણૂંક થાય તો નીતિ વિષયક કામ સિવાય કોઈ જ નિર્ણય લેવામાં આવે નહિં. તેમજ ચૂંટાયેલી પાંખનું કોઈ અસ્તિત્વ પણ રહેશે નહિ તેથી ચૂંટણીમાં પ્રચાર કરી શકાય કે મતદારોને આકર્ષી શકાય તેવા કામો ઝડપથી મંજૂર થઈ રહ્યા છે. વહીવટદાર નિમણૂંક થવાની શક્યતાના કારણે જ મુખ્યમંત્રી દ્વારા રૂા.૧૦૭૮ કરોડના કામોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં થયેલા અસામાન્ય વધારાના કારણે સત્તાધારી પક્ષની પીછેહઠ થઈ છે. અન્યથા આઠ વિધાનસભા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં લઈ ૧૫ ડિસેમ્બર સુધીમાં જ ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા જાેવામાં આવતી હતી.
મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખની મુદ્દતમાં વધારો ન કરીને વહીવટદારની નિમણૂંક કરવા માટે વર્તમાન હોદ્દેદારોની નબળી કામગીરીને ખાસ કરીને કોરોના સમય દરમ્યાન પ્રજાને થતી હાલાકી તેમજ કોરોના દર્દીઓને અધિકારીઓ અને ૧૦૮ના હવાલા કરવાના મામલે પ્રજામાં રોષ જાેવા મળી રહ્યો છે. કોરોનાના કપરાકાળમાં રાજકોટ, સુરત અને વડોદરાના મેયર પ્રજાની સુવિધામાં આયોજન કરતા હતા જ્યારે અમદાવાદના મેયર “સેલ્ફ ક્વોરેન્ટાઈન” થયા હતા. તથા ક્વોરેન્ટાઈન સમય પૂર્ણ થયા બાદ મેગો ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. મેયરને પ્રજા વચ્ચે જતા ડર લાગી રહ્યો છે. તેમજ તેમની ઓફીસમાં પણ નાગરીકોથી ડરી રહ્યા છે પરંતુ લીમડીમાં ચૂંટણી પ્રચાર માટે સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડાવી ઘરે ઘરે ફર્યા હતા. જેની નોંધ પણ પ્રજાએ લીધી છે.
આ તમામ બાબતો કરતા પણ વધુ ગંભીર બાબત મેયરના નિવેદનો રહ્યા છે. રાજકોટ હોય કે અમદાવાદ ! હોસ્પિટલ દુર્ઘટના હોય કે પીરાણા હોનારત ! મેયર આ તમામ બાબતોને કુદરતી અને સામાન્ય ઘટના ગણાવી છે. મેયરના બેજવાબદાર નિવેદનોની તેમના પક્ષમાં પણ ગંભીર નોંધ લેવામાં આવી છે. આગામી ત્રણ મહિનામાં આવા જ બેજવાબદાર નિવેદનો તેમજ અનિર્ણાયક નિર્ણયોના કારણે પ્રજાના રોષનો સામનો કરવો ન પડે તે માટે કારણોસર પણ વહીવટદારની નિમણૂંક માટે વિચારણા થઈ શકે છે ! તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.