Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પાેરેશને કરોડો રૂપિયા ઉઘરાવવા બાદ કચરા નિકાલની જવાબદારી નાગરીકોને સોંપી

યુઝર્સ ચાર્જ રદ કરોઃ દિનેશ શર્મા નવા નિયમથી માત્ર કોન્ટ્રાક્ટરોને જ લાભઃ સુરેન્દ્ર બક્ષી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા ૫૦ કિ.ગ્રાથી ઉત્પન્ન થતા ક્ચરાને સ્થળ પર પ્રોસેસ કરવા માટે જાહેર નોટિસ આપવામાં આવી છે. જેનો સાવર્ત્રિક વિરોધ થઈ રહ્યો છે. શહેરમાં ઉત્પન્ન થતા ક્ચરા એકત્રીકરણ અને નિકાલ માટે ઉંચા ભાવથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.

તદુપરાંત નાગરીકો પાસેથી ક્ચરા નિકાલ માટે યુઝર્સ ચાર્જ લેવામાં આવ્યા બાદ ક્ચરા નિકાલની જવાબદારી પણ નાગરીકોને સોંપીને અધિકારીઓ તેમની જવાબદારીમાંથી છટકવા પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જ્યારે મ્યુનિ.કોંગ્રેસ દ્વારા નાગરીકોને યુઝર્સ ચાર્જ પરત આપવા માંગણી કરવામાં આવી છે.

મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વનેતા દિનેશભાઈ શર્માએ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર નોટિસનો વિરોધ કરતા જણાવ્યું કે, મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા છેલ્લા બે વર્ષથી યુઝર્સ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા બે વર્ષમાં રૂા.૨૦૦ કરોડ કરતા વધુ રકમ યુઝર્સ ચાર્જના નામે નાગરીકો પાસેથી લેવામાં આવ્યા બાદ કચરા નિકાલની જવાબદારી પણ તેમના શિરે નાંખવામાં આવી છે. તે તદ્દન ગેરવ્યાજબી બાબત છે.

સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૧માં શહેરોમાં ઉત્પન્ન થતાં ક્ચરાને રીડ્યુલ, રીયુઝ અને રીસાયકલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. શહેરને ગારબેઝ ફ્રી સીટી બનાવવા માટે ૫૦ કિ.ગ્રા.થી વધારે ક્ચરો ઉત્પન્ન કરતા હોય તેવા એકમોને સ્થળ પર પ્રોસેસીંગ કરવા નોટિસ જાહેર કરવામાં આવી છે.

અગાઉ, આ મર્યાદા ૧૦૦ કિ.ગ્રામની હતી. મ્યુનિ.સોલિડ વેસ્ટ ખાતા દ્વારા નાગરીકોને ફરજ પાડવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ખાતાના ઉચ્ચ અધિકારીઓ હજી સુધી ભીના અને સૂકા ક્ચરાને અલગ રાખવાની વ્યવસ્થા કરી શક્યા નથી. દર વરસે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા હોવા છતાં લીલા અને વાદળી એમ બે અલગ પ્રકારના ડસ્ટબીન નાગરીકોને આપવામાં આવ્યા નથી.

તેમ છતાં ૫૦ કિ.ગ્રામ કરતા વધુ ક્ચરો ઉત્પન્ન કરતા એકમો જેવા કે ખાનગી કલબો, હોસ્પિટલ, મોટા ટાઉનશીપ, હોટેલ વગેરેને સ્થળ પર જ ક્ચરો પ્રોસેસિંગ-રીસાયકલ કરવા ફરજ પાડવામાં આવી રહી છે. મ્યુનિ.કોર્પાેરેશને સદર નિયમનો અમલ કરતા પહેલાં ૨૦૧૮થી જે યુઝર્સ ચાર્જના નામે નાગરીકો પર બોજ નાંખવામાં આવ્યો છે તે તાત્કાલિક અસરથી પરત લેવામાં આવે તે જરૂરી છે તેવી માંગણી તેમણે કરી હતી.

મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ પણ વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બલ્ક યુઝર્સમાં મોટી ટાઉનશીપોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ખોટી બાબત છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા મકાન દીઠ યુઝર્સ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. તેથી ક્ચરા વજનની ગણતરી પણ ઘરદીઠ કરવી જાેઈએ.

સ્વચ્છ સર્વેક્ષણ માટે ૫૦ કિ.ગ્રા.વજનનો નિયમ વ્યવહારુ નથી. ખાનગી યુનિટો તેમજ મોટા ટાઉનશીપો દ્વારા સ્થળ પર જ ક્ચરો પ્રોસેસ કરવામાં આવશે તે પછી પીરાણા ખાતે ક્ચરા પ્રોસેસ માટે હજારો ચોરસ મીટર જમીન ખાનગી કંપનીઓને આપવામાં આવી છે તે કંપનીઓ શું કરશે ? મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ક્ચરા એકત્રીકરણ એ નિકાલ માટે ઉંચા ભાવથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.

મિલ્કતવેરાના બીલમાં યુઝર્સ ચાર્જ લેવામાં આવી રહ્યો છે. તદુપરાંત ડોર ટુ ડમ્પ, સ્પોટ ટુ ડમ્પ, કોમર્શીયલ વેપાર ધંધાનો કચરો એકત્રિત કરવા માટે છોટા હાથી વગેરેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા બાદ ૫૦ કિ.ગ્રામ ક્ચરાને સ્થળ પર પ્રોસેસ કરવાનો નિર્ણય કોના લાભાર્થે થઈ રહ્યો છે તે બાબત સ્પષ્ટ થઈ રહી છે. ઘરે-ઘરેથી ક્ચરો એકત્રિત કરવામાં સેગ્રીગેશન ફરજીયાત રાખવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટરો તેનો અમલ કરી શક્યા નથી. તેથી બે વર્ષ અગાઉ કોર્પાેરેશનના કર્મચારીઓની સ્પેશ્યલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં સોસાયટીઓમાં જઈને નાગરીકોને ભીનો-સૂકો ક્ચરો અલગ તારવવા સમજ આપી હતી. ભીનો અને સૂકો ક્ચરો અલગ ન થવા બદલ કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવાના બદલે ક્ચરો ન ઉપાડવાની ધમકી પણ નાગરીકોને જ આપવામાં આવી હતી. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ ક્રમાંક મેળવવા માટે સમગ્ર વર્ષ દરમ્યાન કોન્ટ્રાક્ટરો પર ધ્યાન આપવાના બદલે વર્ષાન્તે નાગરીકો પર જાેહુક્મી કરવામાં આવે છે તે ખોટી બાબત છે. મ્યુનિ.કમીશનર દ્વારા નિયમ મામલે ફેર વિચારણા કરવામાં આવે તે જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.