મ્યુનિ.કોર્પાેરેશને ખાનગી હોસ્પિટલોને રૂા.48 કરોડ ચૂકવ્યા
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂા.૧૫ કરોડ તથા મધ્ય ઝોનમાં સૌથી ઓછા રૂા.દોઢ કરોડ ચૂકવાયા
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવાળી પર્વ દરમ્યાન આવેલ કોરોનાની બીજી લહેર પણ લગભગ શાંત થઈ ગઈ છે. શહેરમાં કોરોના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
શહેરના ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને તાકીદે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી મનપા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યાં છે. તેમજ ૧૦૫ ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.ક્વોટાના બેડ રાખવામાં આવ્યા હતા.
કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ ૧૦ હોસ્પિટલોને ડીનોટિફાય કરવામાં આવી છે. તેમજ ખાનગી હોસ્પિટલોને ચૂકવાતી રકમ રીવાઈઝ્ડ કરવામાં આવી છે. તેમ છતાં કોરોના દર્દીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર આપવા બદલ મ્યુનિ.કોર્પાેરેશને રૂા.૪૮ કરોડના બીલોની ચૂકવણી હોસ્પિટલોને કરી છે. જેમાં સૌથી વધુ ખર્ચ પશ્ચિમ ઝોનમાં થયો છે. પરંતુ તેના કારણે દસ હજાર કરતાં વધુ દર્દીઓની જીંદગી બચી ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા કોરોના દર્દીઓની સારવાર, ટેસ્ટીંગ સહિતના ખર્ચ માટે નવેમ્બર માસના અંત સુધીમાં રૂા.૪૪૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
જે પૈકી રૂા.૧૩૫ કરોડનો ખર્ચ એસ.વી.પી. હોસ્પિટલમાં થયો છે. એસવીપીમાં દર્દીઓની સારવાર, ભોજન વ્યવસ્થા, દવા, મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ માટે કોરોના કીટ, ફુડ પેકેટ્સ, પેટ્રોલ વગેરે માટે રૂા.૧૩૫ કરોડનો ખર્ચ થયો છે.
પરંતુ તેની સામે ૩૦ નવેમ્બર સુધી ૮૯૯૨ દર્દીઓની જીંદગી બચી છે. કોરોના સંક્રમણમાં વધારો થયા બાદ વધુ બેડની જરૂરીયાત ઉભઈ થતા મનપા દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા
તેમજ આ હોસ્પિટલોમાં સારવારના દર નિશ્ચિત કરી મ્યુનિ.કે ક્વોટાના બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેમાં મનપા દ્વારા રીફર કરવામાં આવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
છેલ્લા એક મહિનાથી દર્દી રીફર કરવાની જવાબદારી ૧૦૮ને સોંપવામાં આવી છે. શહેરની ૧૦૫ જેટલી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈને કોરોનાના ૧૧ હજાર કરતા વધુ દર્દીઓને નવજીવન મળ્યું છે. મ્યુનિ.કોર્પાેરેશને ૩૦ નવેમ્બર સુધી ખાનગી હોસ્પિટલોના બીલ પેટે રૂા.૪૮ કરોડ ચૂકવ્યા છે.
જેમાં દક્ષિણ ઝોનની ખાનગી હોસ્પિટલોને રૂા.ત્રણ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂા.૧૫ કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રૂા.ચાર કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂા.૦૬ કરોડ, મધ્ય ઝોનમાં રૂા.૧.૫૦ કરોડ, પૂર્વ ઝોનમાં રૂા.પાંચ કરોડ તથા ઉત્તર ઝોનની ખાનગી હોસ્પિટલોને રૂા.૧૩.૫૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, કોરોનાના સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે તેથી આ ઝોનમાં ખાનગી હોસ્પિટલોના બિલની રકમ પણ વધારે રહી છે.
જ્યારે એપ્રિલ અને મે મહિનામાં મધ્ય ઝોનમાં કેસની સંખ્યા વધારે હોવા છતાં ખાનગી હોસ્પિટલો ઉપલબ્ધ કરવામાં આવી ન હોવાથી ખર્ચ ઓછો થયો છે. કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ હોસ્પિટલ અને બેડની સંખ્યા ઘટાડવામાં આવી છે. તેમ છતાં શહેરીજનોને વિનામૂલ્યે શ્રેષ્ઠ સારવાર આપવાની સેવા અવિરત ચાલી રહી છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ખાનગી હોસ્પિટલોને “ક્વોટા બેડ” કરારમાં વોર્ડમાં ખાલી બેડ પેટે રૂા.૭૦૦ તથા દર્દી હોય તો રૂા.૪૫૦૦, એમ.ડી.યુ.માં ખાલી બેડના રૂા.૧૦૮૦ તથા દર્દીવાળા બેડ માટે રૂા.૬૭૫૦, વેન્ટીલેટર વગર આઈ.સી.યુ.માં અનુક્રમે રૂા.૧૪૪૦ તથા રૂા.૯૦૦૦ અને વેન્ટીલેટર સાથે આઈ.સી.યુ.વોર્ડમાં રૂા.એક હજાર તથા દર્દી હોય તો રૂા.૧૧૨૫૦ દૈનિક ચૂકવવામાં આવતા હતા. ૧૫ ડીસેમ્બરથી આ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
કોરોના દર્દીઓની સારવાર તેમજ શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટીંગ માટે દવા વગેરેની ખરીદી માટે રૂા.૧૪૦ કરોડનો ખર્ચ થયો છે. જે પૈકી રેપીડ એન્ટીજન ટેસ્ટની કીટ ખરીદી માટે રૂા.૧૧૫ કરોડનો ખર્ચ થયો છે.
રેપીડ એન્ટીજન ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યા બાદ સંક્રમણ નિયંત્રણમાં આવ્યું છે. તેમજ ૧૦૦ કરતા વધુ કીઓસ્કમાં ટેસ્ટ કરતા હોવાથી નાગરીકોની હાલાકી પણ દૂર થઈ છે.
જ્યારે પી.પી.ઈ.કીટ, રેમડેસીવીર ટોસીલીઝૂમેબ જેવા મોંઘા ઈન્જેક્શન, એન્ટીબાયોટીક સહિત તમામ પ્રકારની દવા, પી.પી.ઈ.કીટ, થર્મલગન, ગ્લોવ્ઝ, ઓક્સીમીટર વગેરેની ખરીદી માટે રૂા.૨૦ કરોડ જેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.