મ્યુનિ.કોર્પાેરેશને “ડી-નોટીફાય” કરેલી હોસ્પિટલોમાં કોરોના દર્દી રીફર કર્યા
કોરોના દર્દીઓની જીંદગી સાથે ચેડાં: બોડીલાઈન-પાલડી, તપન-રખિયાલ અને તપન-સેટેલાઈટને કોવિડની સારવાર માટે ગેરલાયક જાહેર કર્યા બાદ પેશન્ટ રીફર કરવામાં આવી રહ્યા છે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોવિડના દર્દીઓની સંખ્યા ૩૫ હજારને પાર કરી ગઈ છે. કોવિડ-૧૯ના દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે.
મ્યુનિ.તંત્ર દ્વારા રીફર કરવામાં આવતા દર્દીઓને કરાર કરવામાં આવેલી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જેનો ખર્ચ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ચૂકવવામાં આવે છે.
આ હોસ્પિટલોમાં સારવાર તથા અન્ય બાબતોને લઈ કોઈપણ કચાશ રહી જાય તો તેની સામે આકરા પગલાં લેવામાં આવે છે. રાજસ્થાન હોસ્પિટલ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
હોસ્પિટલોમાં સારવારના નામે લાલિયાવાડી ચાલતી હોય તેમ દર્દીઓની જીંદગી સાથે ચેડાં થતાં હોય તેવા સંજાેગોમાં મ્યુનિ.તંત્ર દ્વારા કરાર રદ કરવામાં આવે છે તથા આવી હોસ્પિટલોને કોવિડ-૧૯ની સારવાર માટે અમાન્ય જાહેર કરવામાં આવે છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જુલાઈ માસમાં આ રીતે ચાર હોસ્પિટલોને “ડી-નોટીફાઈ” કરવામાં આવી હતી. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ચાર પૈકી ત્રણ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે તથા મનપા દ્વારા જ દર્દીઓને રીફર કરવામાં આવી રહ્યાં છે.
કોરોનાના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલા સતત વધારાના ધ્યાનમાં લઈને મ્યુનિ.કોર્પાેરેશને ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. મ્યુનિ.ક્વોટાના બેડમાં રીફર કરવામાં આવેલા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.
તંત્ર દ્વારા જુલાઈ મહિનામાં ચાર હોસ્પિટલોને કોવિડ-૧૯ની સારવાર માટે ગેરલાયક જાહેર કરવામાં આવી હતી. અધિક સચિવ ડો.રાજીવ ગુપ્તા દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદીમાં બોડી લાઈન હોસ્પિટલ-પાલડી, તપન હોસ્પિટલ-રખિયાલ, તપન હોસ્પિટલ-સેટેલાઈટ તથા સેવિયર એનેક્સ હોસ્પિટલ-આશ્રમ રોડ સાથે કરાર રદ કરવામાં આવ્યા હતાં.
ચાર હોસ્પિટલોને ડી-નોટીફાય કરવા માટેનું મુખ્ય કારણ વધારે મૃત્યુદર હોવાનું જણાવવામાં આવ્યું હતું.
તદપરાંત ઓછા બેડ, ઓછી ઓક્યુપન્સી, પ્રાઈવેટ બેડની સરખામણીએ મ્યુનિ.ક્વોટામાં ઓછા બેડ, ડેટા મેનેજમેન્ટનો અભાવ જેવી બાબતોને ધ્યાનમાં આવતા ચાર હોસ્પિટલોને કોવિડ-૧૯ની સારવાર માટે ગેરલાયક જાહેર કરવામાં આવી હતી.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા હોસ્પિટલોની ચકાસણી માટે આસી.પ્રોફેસર (ઝોનલ), ડે.હેલ્થ ઓફીસર (ઝોન), એચ.ઓ.ડી. ઓફ મેડીસીન અને ઓ.એસ.ડી.(એ.એમ.સી) એમ ચાર સભ્યોની કમિટિની રચના કરવામાં આવી છે.
સદર કમીટી દ્વારા આપવામાં આવેલા રીપોર્ટ બાદ બોડીલાઈન સહિત ચાર હોસ્પિટલોને ડી-નોટીફાય કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનું આયુષ્ય અત્યંત ટૂંકુ રહ્યું છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
મ્યુનિ.કમિશનર તથા અધિક સચિવ દ્વારા ૨૨ જુલાઈએ જે ચાર હોસ્પિટલોને ડી-નોટીફાઈ કરવામાં આવી હતી. તે પૈકી ત્રણ હોસ્પિટલોમાં હાલ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જ આ હોસ્પિટલોમાં દર્દીઓ રીફર કરવામાં આવી રહ્યાં છે. આઈ ઓક્ટોબર સવારે દસ વાગ્યાના રીપોર્ટ મુજબ બોડીલાઈન હોસ્પિટલમાં ૫૦ બેડ, તપન હોસ્પિટલ રખિયાલમાં ૧૨ બેડ તેમજ તપન હોસ્પિટલ સેટેલાઈટમાં ૨૩ બેડ મ્યુનિ.ક્વોટાના છે.
મ્યુનિ.તંત્ર દ્વારા આ હોસ્પિટલોને ડી-નોટીફાઈ કરવામાં આવ્યા બાદ પણ કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર શા માટે આપવામાં આવી રહી છે ?
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા દર્દીઓ શા માટે રીફર કરવામાં આવે છે ? આ બાબતે ડો.મનીષકુમાર બંસલ (ઓ.એસ.ડી)નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ૨૨ જુલાઈએ ચાર હોસ્પિટલોને ડી-નોટીફાઈ કરવામાં આવી હતી તે પૈકી ત્રણ હોસ્પિટલોને રી-નોટીફાઈ કરવામાં આવી છે.
કોરોના કેસમાં વધારો થતા બોડી લાઈન, તપન-રખિયાલ તથા તપન-સેટેલાઈટમાં દર્દીઓ રીફર થઈ રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ જે હોસ્પિટલોમાં ફેટલ રેશિયો વધારે તથા બેડની સંખ્યા ઓછી હોવા છતાં ફરીથી શા માટે દર્દી રીફર થઈ રહ્યા છે ?
અધિકારીઓને દબાણવશ આ હોસ્પિટલોને રી-નોટીફાય કરવા મજબૂર કરવામાં આવ્યા છે ? અમદાવાદ શહેરમાં આ ત્રણ સિવાય બીજી ઘણી હોસ્પિટલો છે જેની સાથે કરાર થી શકે તેમ છે.
જુલાઈ મહિના બાદ કેસ અને મરણની સંખ્યામાં ઘટાડો થયો હોવાના દાવા ખુદ તંત્ર જ કરી રહ્યું છે તેમ છતાં કેસ વધવાના કારણો દર્શાવી ડી-નોટીફાય હોસ્પિટલોમાં દર્દીઓ રીફર કરી તેમની જીંદગી સાથે ચેડા થી રહ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.