પાણીના ગેરકાયદેસર કનેક્શન બદલ રૂા.૧૦ હજાર સુધીનો દંડ લેવામાં આવશે
મ્યુનિ.કોર્પાેરેશને પાણી જાેડાણનાં સમાન દર નક્કી કર્યા
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન હદમાં ૨૦૦૬-૦૭ની સાલમાં સમાવિષ્ટ નવા વિસ્તારો માટે પાણીની નીતિમાં ભેદભાવ રાખવામાં આવ્યો હતો.
નવા પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં કોમર્શીયલ મિલ્કતોને નવા જાેડાણ આપવામાં આવતા નહતા તેમજ રહેણાંક મિલ્કતોમાં પણ નવા કનેક્શન માટે અન્ય ઝોન કરતા અનેકગણો વધારે ચાર્જ લેવામાં આવ્યો હતો. જેના કારણે, પાણીની સમાન નીતી બનાવવા માટે ઘણા વર્ષાેથી રજૂઆત થતી હતી.
૨૦૧૯-૨૦માં વોટર પોલીસી તૈયાર થઈ ગઈ હતી જે મીટર આધારીત હતી પરંતુ “નલ સે જલ” યોજનાના કારણે વોટર પોલીસીને અભરાઈએ મૂકવામાં આવી હતી. ત્યારબાદ પાણી કનેક્શન માટે “સમાજ ચાર્જ”ની પોલીસી તૈયાર કરવામાં આવી હતી જેને સોમવારે મંજૂર કરવામાં આવી છે.
મ્યુનિ.વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પાેરેશનના તમામ સાત ઝોનમાં પાણીનાં નવા જાેડાણ માટે એકસરખો ચાર્જ લેવામાં આવશે.
સામાન્ય કનેક્શન લેવા માટે ચાલી, ઝુંપડા પ્રકારના રહેણાંક માટે રૂા.૭૫૦ ચાર્જ લેવામાં આવશે. જ્યારે ટેનામેન્ટ, ફ્લેટ, બંગલા જેવા રહેણાંક યુનિટ માટે પાણી જાેડાણ પેટે રૂા.એક હજારલેવામાં આવશે. સદર ચાર્જ ટેક્ષબીલ મુજબ લેવામાં આવતી રકમ છે. રહેણાંક માટે વધારાના જાેડાણ તેમજ બીન રહેઠાણમાં ડોમેસ્ટીક વપરાશ હેતુ માટે પી.આર.સી. જાેડાણ આપવામાં આવશે. જેના માટે રૂા.ત્રણ હજાર કનેક્શન ચાર્જ લેવામાં આવશે.
જ્યારે બાંધકામના વપરાશ માટે કે કોમર્શીય ઉપયોગ માટે લેવામાં આવતા પી.આર.સી.જાેડાણ માટે ૩-૪ ઈંચ કનેક્શનના રૂા.૬ હજાર તથા ઈંચ કનેક્શનનો રૂા.૧૨ હજાર ચાર્જ લેવામાં આવશે.
બી.આર.સી.કનેક્શન માટે પાણીના જથ્થા તેમજ કનેક્શનની સંખ્યાના આધારે દર નક્કી કરવામાં આવશે. જે વિસ્તારમાં મીટર આધારીત પાણીનો ચાર્જ લેવામાં આવતો. તે વિસ્તારમાં ફીક્સ ચાર્જની ગણતરી કરવામાં આવશે નહીં. પરંતુ ખરેખર વપરાશમાં લીધેલા પાણીના જથ્થા મુજબ ચાર્જ લેવામાં આવશે.
પાણીના મીટર કનેક્શન માટે પ્રોરેટા ચાર્જિસ પદ્ધતિ કનેક્શનની સાઈઝ મુજબ લેવામાં આવશે. જેમાં રહેઠાણ પ્રકારમાં વધારાના જાેડાણ માટે રૂા.૨૯૩૦થી રૂા.૪૩૫૦ બીન રહેઠાણ મિલ્કતમાં ડોમેસ્ટીક વપરાશ માટે રૂા.૫૮૬૦થી રૂા.૮૭૦૦ તેમજ પાણીના કોમર્શીયલ વપરાશ માટે રૂા.૧૧૭૨૦થી રૂા.૧૭૪૦૦ ચાર્જ લેવામાં આવશે.
શહેરમાં પાણીના ગેરકાયદેસર જાેડાણ માટે પણ દર નક્કી કરવામાં આવ્યાં છે. રહેણાંક મિલ્કતમાં ગેરકાયદેસર જાેડાણ માટે રૂા.૫૦૦૦ અને કોમર્શીયલ વિસ્તારમાં રૂા.૧૦૦૦૦નો દંડ લેવામાં આવશે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા માથાદીઠ દૈનિક ૧૫૦ લીટર પાણી આપવામાં આવે છે.
૧ યુનિટ દીઠ સરેરાશ ૧ હજાર લિટર પાણી મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા સપ્લાય કરવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, શહેરના જૂના પાંચ ઝોનમાં ૨૨ વર્ષ પહેલાં પાણી કનેક્શનનાં ચાર્જ નક્કી કરવામાં આવ્યાં હતા. જ્યારે ૨૦૦૬માં સમાવિષ્ટ નવા પશ્ચિમ ઝોનમાં ૨૦૧૫માં પાણી ચાર્જ નક્કી થયા હતાં. જેમાં ભારે વિસંગતતા હોવાથી તંત્ર દ્વારા સમાન દર નક્કી કરવામાં આવ્યાં છે.